VIDEO: ભિલોડામાં નર્સિંગ વિદ્યાર્થી પર હુમલાના વિરોધમાં મેઘરજ સજ્જડ બંધ, આદિવાસી સમાજમાં ભારે રોષ
VIDEO: અરવલ્લી જિલ્લાના ભિલોડામાં નર્સિંગના વિદ્યાર્થી પર થયેલા હિંસક હુમલાના પડઘા આજે સમગ્ર જિલ્લામાં જોવા મળ્યા છે. આ ઘટનાના વિરોધમાં આજે આદિવાસી સમાજના સંગઠનો દ્વારા આપવામાં આવેલા 'મેઘરજ બંધ'ના એલાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. સવારથી જ મેઘરજના તમામ નાના-મોટા બજારો સજ્જડ બંધ રહ્યા હતા.
ઘટનાની પૃષ્ઠભૂમિ અને ફરિયાદ
અરવલ્લી જિલ્લાના ભિલોડાની આર.જી. બારોટ નર્સિંગ કૉલેજના એક વિદ્યાર્થીને નિર્દયતાથી માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે કૉલેજના સંચાલક અને ભાજપ યુવા મોરચાના નેતા દેવાંગ બારોટ સામે ગંભીર આક્ષેપો થયા હતા. પીડિત વિદ્યાર્થી આદિવાસી સમાજનો હોવાથી ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે પોલીસમાં એટ્રોસિટી એક્ટ અને મારામારીની કલમો હેઠળ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી દેવાંગ બારોટની ધરપકડ કરી લીધી છે.
વેપારીઓ અને સામાજિક સંગઠનોનું સમર્થન
આદિવાસી સંગઠનો દ્વારા ન્યાયની માંગ સાથે મેઘરજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક વેપારી મંડળોએ પણ સ્વયંભૂ જોડાઈને સમર્થન આપ્યું હતું. બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો અને જીવનજરૂરી સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ રહી હતી. પરિસ્થિતિ વણસે નહીં તે માટે સમગ્ર મેઘરજ વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
સામાજિક આગેવાનનું નિવેદન
આ અંગે સામાજિક આગેવાન કેતન કટારાએ જણાવ્યું હતું કે, "એક નિર્દોષ વિદ્યાર્થી પર આ પ્રકારે હુમલો કરવો તે અમાનવીય છે. જ્યાં સુધી વિદ્યાર્થીને સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. આજે મેઘરજના વેપારીઓએ જે સમર્થન આપ્યું છે તે બદલ અમે આભાર માનીએ છીએ."
હાલમાં પોલીસ દ્વારા શાંતિ જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે.

