Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : VIDEO: Shameful incident in the abode of education in Aravalli, police nab drunk teacher from classroom

VIDEO: અરવલ્લીમાં શિક્ષણના ધામમાં શરમજનક કિસ્સો, નશામાં ધૂત શિક્ષકને પોલીસે વર્ગખંડમાંથી દબોચ્યો

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂ પીધેલી હાલતમાં લોકો ઝડપાતા હોય છે, પરંતુ જ્યારે બાળકોનું ભવિષ્ય ઘડનારા શિક્ષકો જ નશાની હાલતમાં જોવા મળે ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર બની જાય છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં એક આવી જ ચકચારી ઘટના સામે આવી છે, જેમાં એક શિક્ષક શિક્ષણના ધામમાં દારૂ ઢીંચીને બેઠેલો ઝડપાયો છે.

App Store

જાણો આખો મામલો
મળતી માહિતી મુજબ, મોડાસાની અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક યશવંત કડિયા ચાલુ શાળા દરમિયાન વર્ગખંડમાં જ દારૂના નશામાં ધૂત હાલતમાં મળી આવ્યા હતા. જે સમયે શિક્ષકે વિદ્યાર્થીઓને ભણાવવાના હોય, તે સમયે તેઓ નશામાં હોવાથી ખુરશીમાં પણ સરખી રીતે બેસી શકવાની સ્થિતિમાં નહોતા. આ બાબતની જાણ થતાં જ શાળામાં વાલીઓ અને ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગરમાયું હતું.

પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક શાળાએ પહોંચી ગયો હતો. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે શિક્ષક યશવંત કડિયાની હાલત એટલી ખરાબ હતી કે તેઓ પોલીસ વાન સુધી ચાલીને જવા માટે પણ સક્ષમ નહોતા. પોલીસે નશાખોર શિક્ષકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શિક્ષણ વિભાગ સામે સવાલો
આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. "જે શિક્ષક પર બાળકોના પાયાના શિક્ષણની જવાબદારી છે, તે જ જો આ રીતે વર્તન કરશે તો સમાજમાં કેવો સંદેશ જશે?" તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા શિક્ષણ વિભાગ આવા બેજવાબદાર શિક્ષક સામે કેવા કડક પગલાં ભરે છે. સ્થાનિકોની માંગ છે કે આ શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.