VIDEO: મોડાસામાં CNG પંપ પાછળ જંગલમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની ટીમોએ મોરચો સંભાળ્યો, પંપ કરાયો બંધ
VIDEO: અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આજે સાબરમતી સીએનજી પંપ પાછળ આવેલા જંગલ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને સીએનજી પંપની અત્યંત નજીક આગ લાગી હોવાથી મોટી જાનહાનિ કે દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ રહી હતી.
ફાયર બ્રિગેડ દ્વારા તાબડતોબ કાર્યવાહી
આગની જાણ થતા જ મોડાસા ફાયર બ્રિગેડની ટીમ સજ્જ થઈ ગઈ હતી. ફાયર ફાઈટરોએ આધુનિક ટેક્નોલૉજી અને સાધનોની મદદથી તાત્કાલિક ત્રણ વોટર બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ જંગલ વિસ્તારમાં હોવાથી તેને વધુ ફેલાતી અટકાવવી ખૂબ જ મહત્ત્વની હતી. ફાયર ટીમ દ્વારા ચારેય બાજુથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
સીએનજી પંપ પર ભયનો માહોલ
આગની જ્વાળાઓ સીએનજી પંપની તદ્દન નજીક દેખાતા પંપ પર ગૅસ ભરાવવા આવેલા વાહનચાલકો અને સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે અને મોટી હોનારત નિવારવા માટે તંત્ર દ્વારા સીએનજી પંપને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
વન વિભાગની બેદરકારી અને અજાણ
એક તરફ જ્યારે ફાયર બ્રિગેડ અને સ્થાનિકો આગ ઓલાવવા મથામણ કરી રહ્યા હતા, ત્યારે આશ્ચર્યની વાત એ હતી કે જંગલ વિસ્તારમાં આટલી મોટી ઘટના બની હોવા છતાં વન વિભાગ આ બાબતથી સંપૂર્ણ અજાણ જણાતું હતું. સ્થાનિકોમાં વન વિભાગની આ શિથિલતા સામે રોષ પણ જોવા મળ્યો હતો.
અંતે, ફાયર ફાઈટરોની સતત મહેનત બાદ આગ પર કાબૂ મેળવવાની દિશામાં સફળતા મળી હતી, પરંતુ આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

