આણંદ/ ભાજપના કાઉન્સિલર પર દુષ્કર્મનો આરોપ લાગતા પાર્ટીમાંથી સસ્પેન્ડ, રહીશોએ ચખાડ્યો હતો મેથીપાક

આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર-6ના કાઉન્સિલર દિલીપ ઉર્ફે દિપુ પ્રજાપતિને ભાજપે પાર્ટીની ગરીમાને ઠેસ પહોંચાડવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ દિપુ પ્રજાપતિનો સમાજ પણ બહિષ્કાર કરી શકે છે. દીપુ પ્રજાપતિ પર મહિલાના ઘરમાં ઘુસીને દુષ્કર્મનો આરોપ લાગ્યો છે.
ભાજપે દુષ્કર્મ આચરનાર કાઉન્સિલરને સસ્પેન્ડ કર્યા
આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર-6ના કાઉન્સિલર દીપુ પ્રજાપતિની કાળી કરતૂત સામે આવી છે. પોતાના ઘરમાં સૂતી મહિલા પર રાત્રીના સમયે ઘરમાં ઘુસીને દીપુ પ્રજાપતિએ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાનો પતિ ઘરે આવી જતા દીપુ પ્રજાપતિએ તેમના પર હુમલો કર્યો હતો. મહિલાના પતિએ બુમો પાડતા આસપાસના રહીશો આવી ગયા હતા અને કાઉન્સિલરને મેથીપાક ચખાડ્યો હતો. આ આખી ઘટના CCTVમાં કેદ થઇ હતી.
ઘટનાને પગલે રાજકારણ પણ ગરમાયું હતું. અનેક રાજકીય માથા દીપુના નજીકના હોવાનું જાણવા મળે છે. વિવાદ વધતા ભાજપ દ્વારા આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર-6ના કાઉન્સિલર દિલીપ ઉર્ફ દીપુ પ્રજાપતિને ભાજપ પાર્ટીની ગરીમાને નુકસાન પહોંચાડવા તેમજ શિસ્ત ભંગ બદલ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની સૂચનાથી પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

