સુરતની યશકલગીમાં થશે ઉમેરો, હવે ક્ષેત્રની કામગીરી માટે મળશે શહેરી વિકાસ મંત્રીના હસ્તે એવોર્ડ
સુરત શહેરના બ્રિજ સિટી, ડાયમંડ સીટી અને ક્લીન સીટી બાદ હવે એવોર્ડ સીટી બનવા

સુરત શહેરના બ્રિજ સિટી, ડાયમંડ સીટી અને ક્લીન સીટી બાદ હવે એવોર્ડ સીટી બનવા જઈ રહ્યું છે. સુરત પાલિકાને દેશના સ્વચ્છ સીટી બાદ થોડા સમય પહેલા જ હવા અને પાણી માટે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ત્રણ દિવસના અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ-2024માં સુરત પાલિકાને અર્બન ટ્રાન્સપોર્ટેશન માટે એવોર્ડ મળવા જઈ રહ્યો છે. ભારતમાં અર્બન મોબિલિટી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ‘સીટી વિથ ધ બેસ્ટ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ' હેઠળ આ એવોર્ડ કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રીના હસ્તે આપવામાં આવશે.
અર્બન મોબીલીટી ઈન્ડિયા કોન્ફરન્સ
ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિર ખાતે આગામી 25,26 અને 27 ઓક્ટોબરના રોજ 17 મી અર્બન મોબીલીટી ઈન્ડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આ કોન્ફરન્સ યોજવામાં આવી છે. જેમાં સુરત સહિત દેશના મોટા શહેરો અને મહાનગરપાલિકા ભાગ લેશે. દેશના વિવિધ શહેરોમાં મોબીલીટી બાબતે વધુમાં વધુ સવલતો કેવી રીતે આપી શકાય તે માટે વિવિધ શહેરો દ્વારા સેમિનાર દરમિયાન ચર્ચા અને પ્રેઝન્ટેશન કરવામાં આવશે.
પ્રેઝન્ટેશન અપાશે
મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સેમિનારમાં ફ્રેમવર્ક ફોર પ્લાનિંગ ઓફ ઈન્ટિગ્રેશન ઓફ મોડસ ઇન અર્બન મોબિલિટી, વિઝન ફોર ક્લીન એર સિટીઝ : ઈમ્પેક્ટ ઓફ અર્બન ટ્રાન્સપોર્ટ, ઇનોવેશન ચેલેન્જ જેવા વિષયો પર રાઉન્ડ ટેબલ ડિસ્કશન થશે. સુરત મહાનગરપાલિકા બે વિષય પર પ્રેઝન્ટેશન આપશે. સવારના સેશનમાં 'એક્ટિવ મોબિલિટી ફોર ઓલ' અને બપોરના સેશનમાં 'બિલ્ડિંગ 15 મિનિટ સિટીઝ' વિષય પર વિવિધ પાસાંઓને આવરી લઈને પ્રેઝન્ટેશન આપવામાં આવશે.
મંત્રી કરશે સન્માન
સેમિનારના છેલ્લા દિવસે એટલે કે 27 ઓક્ટોબરના રોજ એવોર્ડ સેરેમની કરવામાં આવશે. સુરત પાલિકાએ સિટી વિથ બેસ્ટ ઇન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ કેટેગરીમાં દાવેદારી નોંધાવી હતી. તે પૈકી એક્સલન્સ ઈન અર્બન ટ્રાન્સપોર્ટેશન માટે સુરત મહાનગરપાલિકાને નંબર-1નો એવોર્ડ મળશે તે કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયના મંત્રી પરમાનંદ ખટ્ટરના હાથે આપવામાં આવશે.








