VIDEO: અમરેલી SOGની મોટી સફળતા: રૂપિયા 16 લાખનું નકલી ખાતર પકડ્યું, ખેડૂતો ચેતજો!
VIDEO: ગુજરાતમાં ખેતીની સિઝન પૂર્વે ખેડૂતોને પાયમાલ કરતું નકલી ખાતરનું નેટવર્ક અમરેલી જિલ્લામાં સક્રિય હોવાનું સામે આવ્યું છે. અમરેલી એસ.ઓ.જી. (SOG) પોલીસની ટીમે બાતમીના આધારે મોટા આંકડિયા ગામે દરોડા પાડીને ડુપ્લીકેટ ખાતર બનાવવાની આખી ફેક્ટરી શોધી કાઢી છે. આ કૌભાંડના તાર બાબરાના ખંભાળા સુધી જોડાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.
કેવી રીતે ઝડપાયું કૌભાંડ?
તાજેતરમાં બાબરાના ખંભાળા ખાતેથી ઇફકો (IFFCO) જેવી નામાંકિત કંપનીના નામે વેચાતું નકલી ખાતર ઝડપાયું હતું. આ કેસની તપાસના તાર અમરેલીના મોટા આંકડિયા ગામ સુધી પહોંચ્યા હતા. મોટા આંકડિયા-પીપળલગ માર્ગ પર આવેલી 'નીરી એગ્રી પ્રોડક્ટ કંપની' નામની જગ્યાએ એસ.ઓ.જી.ની ટીમે તપાસ હાથ ધરતા ત્યાં મોટા પાયે નકલી ખાતર બનાવવાનું મશીનરી સાથેનું સેટઅપ મળી આવ્યું હતું.
ઝડપાયેલ મુદ્દામાલની વિગતો
પોલીસે સ્થળ પરથી હલકી ગુણવત્તાનું ખાતર અને જાણીતી બ્રાન્ડની ખાલી થેલીઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. હલકી ગુણવત્તાનું એમોનિયમ સલ્ફેટ: 50 ભરેલી બેગ, POLYHALITE-IPL ખાતર: 25 ભરેલી બેગ અને ગુજરાત સરદાર ફર્ટિલાઈઝરની ખાલી બેગ: અંદાજે 5,600 નંગ. ખાતર મિક્સ કરવાની અને પેકિંગ કરવાની 3 નંગ મશીનરી મળીને કુલ મુદ્દામાલ: અંદાજે રૂપિયા 16,74,000ની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
નામાંકિત બ્રાન્ડના નામે ખેડૂતો સાથે છેતરપિંડી
આ ફેક્ટરીમાં હલકી ગુણવત્તાના પાવડર અને એમોનિયમ સલ્ફેટને મિક્સ કરીને ઈફકો (IFFCO) અને ગુજરાત સરદાર જેવી પ્રતિષ્ઠિત કંપનીઓના બારદાનમાં પેક કરવામાં આવતું હતું. આ ખાતર ખેડૂતોને અસલીના ભાવે પધરાવીને મસમોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હતું.
મુખ્ય આરોપી ફરાર
આ સમગ્ર કૌભાંડના માસ્ટરમાઈન્ડ તરીકે ભરત ચીમનભાઈ ધાનાણીનું નામ ખુલ્યું છે. પોલીસ ત્રાટકી તે પહેલા જ આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. અમરેલી એસ.ઓ.જી.એ આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
ખેડૂતો માટે ચેતવણી
અમરેલી પોલીસ દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ એજન્સી પાસેથી ખાતર ખરીદતી વખતે પાકું બિલ લેવું અને શંકાસ્પદ પેકિંગ જણાય તો તાત્કાલિક ખેતીવાડી વિભાગ અથવા પોલીસને જાણ કરવી.

