અમરેલી: તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટરપેડ, સહી-સિક્કા સાથે સ્થાનિક ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું

અમરેલીમાંથી તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટરપેડ પર સ્થાનિક ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાના નામે કેટલાક ઈસમો દ્વારા નકલી લેટરપેડ બનાવી તેમની નકલી સહી અને સિક્કો કરી, લેટર પેટ ઉપર ધારાસભ્ય કૌશીક વેકરીયા સામે ગંભીર આરોપો મુકવામા આવ્યા છે.
આ પણ વાંચો : અમરેલીમાં દલિત યુવાનને ઢોર માર માર્યો, મહિલા પોલીસકર્મી આરોપી હોવાથી FIRમાં નામ નહિ
જેમાં દારૂ, રેતીમાં કૌશીક વેકરીયા દર મહિને 40 લાખનો હપ્તો લેતા હોવાનો પત્રમાં ઉલ્લેખથી ખળભળાટ મચી જવા પામ્યો છે. અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાએ જિલ્લા પોલીસ વડાને મળીને રજૂઆત કરી છે. ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશીક વેકરીયા વિરુદ્ધ ગંભીર આરોપનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
જો કે આ સમગ્ર મામલે કિશોર કાનપરીયા દ્વારા પોલીસને રજુઆત બાદ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ પત્ર લખી જણાવ્યું હતું. સ્થાનિક સંગઠન મંડળ પ્રમુખની નિમણુંકમાં વિક્ષેપ ઉભો કરવા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કાર્યકર્તાઓનું મોરલ તોડવા અને પક્ષ ઉપર દબાણ ઉભું કરવા કોઈ હિતક્ષત્રુ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમજ આ કૃત્ય કરવામાં આવ્યું છે તેની તપાસ કરી જવાબદારો સામે કડક સજા કરવા માંગ કરી હતી.

