ધારીના જીરા ગામે ખેતરના કૂવામાં પડી જવાથી નર સિંહનું મોત

ધારીના જીરા ગામે ખેતરના કૂવામાં પડી જવાથી નર સિંહનું મોત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જીરા ગામની સીમમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ખેતરમાં આવેલા કૂવામાં પડી જતાં અંદાજે 2થી 3 વર્ષના નર સિંહનું મોત નીપજ્યું છે. રાત્રિના અંધકાર દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

મળતી માહિતી મુજબ, 19 નવેમ્બર 2026ના રોજ જીરા ગામની સીમમાં અશોકભાઈ પરશોતમભાઈ બાંભરોલીયાના ખેતરમાં આવેલા પેરાપેટવાળા કૂવામાં એક નર સિંહ ખાબક્યો હતો. કૂવામાં પડી જવાના કારણે સિંહનું મોત થયું હતું. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કૂવામાંથી સિંહના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ વન વિભાગ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

જાહેરાત

વન્યપ્રેમીઓમાં દુઃખની લાગણી

પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ દરમિયાન સિંહનું મૃત્યુ પાણીમાં ડૂબી જવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. મૃત સિંહ નર જાતિનો અને અંદાજે 2થી 3 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના દલખાણિયા રેન્જના કરમદડી રાઉન્ડ હેઠળના હીરાવા બીટ વિસ્તારમાં બની હતી. વન વિભાગે 19 નવેમ્બરના રોજ પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તાર અને વન્યપ્રેમીઓમાં દુઃખની લાગણી ફેલાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત