અમરેલી: બનાવટી લેટર કાંડ મામલે પરેશ ધાનાણીનું ટ્વિટ; 'લાજ લેનારા સામે લડીશુ, શકુનીઓને સજા આપો'
અમરેલી: બનાવટી લેટર કાંડ મામલે રાજકારણ ગરમાયુ છે. પાટીદાર સમાજની દિકરીના કથિત સરઘસ મુદ્દે મામલાએ ત

અમરેલી: બનાવટી લેટર કાંડ મામલે રાજકારણ ગરમાયુ છે. પાટીદાર સમાજની દિકરીના કથિત સરઘસ મુદ્દે મામલાએ તૂલ પકડ્યો છે. પાટીદાર સમાજની દિકરીને જેલ મુક્ત કરાવવા ખોડલધામ સમિતિના આગેવાનો અમરેલી પહોંચ્યા છે. દિનેશ બાંભણીયા, મનોજ પનારા, રમેશ ટીલાળા સહિતના આગેવાનો અમરેલી પહોચ્યા છે. ધારાસભ્ય કૌશિક વેકરીયા, સાંસદ સુતરીયા , મહેશ કસવાળા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત છે. ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક ચાલી હતી.
ત્યારે દિનેશ બાંભણીયાએ આ મામલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની અવિવાહિત દિકરી ને જેલ મુક્ત કરાવવા માટેની બેઠક સફળ થઈ છે. કૌશિક વેકરીયા અને ખોડલધામના આગેવાન વચ્ચે ચર્ચા થઈ હતી. જેમાં આ યુવતીને આજે જ જેલ મુક્ત કરાવવા માટે સંમતિ સધાઈ હતી. આ ઉપરાંત પોલીસ ફરિયાદમાંથી પણ યુવતીનું નામ દુર કરવા માટે ફરિયાદી દ્વારા એફિડેવિટ કરી આપવામાં આવશે.
સાથે જ બનાવટી લેટર કાંડ મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની દિકરીના જામીન આજે જ મંજૂર થાય તે માટેની કાયદાકીય પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. અને સાથે જ કાયદાકીય રીતે દિકરીનું નામ ફરિયાદમાંથી દુર કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અમરેલી લેટર કાંડઃ 'રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસે યુવતીનું જાહેરમાં સરઘસ કાઢી ઓળખ છતી કરી'- કોંગ્રેસનો CMને પત્ર
જણાવી દઈએ કે, કથિત લેટર કાંડ મામલે કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રી અને ખોડલ ધામના આગેવાનોને સંબોધીને પત્ર લખતા વિવાદ વકર્યો હતો. આ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, અમરેલી જિલ્લામાં લેટરકાંડ મામલે પટેલ સમાજની દીકરીનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાના નાયબ દંડકને બદનામ કરવાના આરોપ મામલે 4 આરોપીમાં એક યુવતીનો સમાવેશ છે.પરેશ ધાનાણીએ કર્યું ટ્વિટ
હવે આ મામલે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતાએ પોતાના અંદાજમાં ટ્વિટ કરીને સળગતા સવાલો ઉઠાવ્યા છે.
""સળગતો સવાલ""
સરદારના નામે સરકાર બનાવનારા
શિખંડીઓની જમાતે માત્ર પોતાના
રાજકીય અહંમને સંતોષવા,
એક નિર્દોષ અબળાની ભરબજારે
આબરુ કાઢી છતાંય,
સામાજીક શ્રેષ્ઠીઓના હજુય અકળ
મૌનથી સમાજને શંકા થાય છે કે,
ઈ બધા સમાજના આગેવાનો હશે કે
પછી માત્ર સરકારી એજન્ટ..?
#લાજ_લેનારા_સામે_લડીશુ
""શકુનીઓને સજા આપો""
કાયદાની રખેવાળ કોર્ટમાં
જામીન તો જડી જાશે.,
પણ એક અબળાની ભરબજારે
લુંટાયેલી આબરુ નુ શું થાશે..?
#લાજ_લેનારા_સામે_લડીશુ
""લાજ લેનારા સામે લડીશુ.""
કૌરવ કુળના અહંકારી લોકોએ
અમરેલીની ભરબજારમાં.,
એક કુંવારી કન્યાનો 'જાહેરમા વરઘોડો'
કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ
પહોંચાડી છે.
સમાજ ક્યારેય માફ નહી કરે..!








