મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના એડવોકેટે ટેક્સાસમાં મેળવ્યો ‘આયર્નમેન’નો ખિતાબ, 16 કલાકમાં પૂરી કરી મુશ્કેલ સ્પર્ધા

અમદાવાદના શેલા વિસ્તારમાં રહેતા 37 વર્ષીય મંથન રાવલે ‘આયર્નમેન ટ્રાય

અમદાવાદના એડવોકેટે ટેક્સાસમાં મેળવ્યો ‘આયર્નમેન’નો ખિતાબ, 16 કલાકમાં પૂરી કરી મુશ્કેલ સ્પર્ધા

અમદાવાદના શેલા વિસ્તારમાં રહેતા 37 વર્ષીય મંથન રાવલે ‘આયર્નમેન ટ્રાયથ્લોન’ સ્પર્ધા પૂરી કરવાનો ખિતાબ પોતાના નામે કર્યો છે. તેમણે અમેરિકાના ટેક્સાસમાં યોજાયેલી સૌથી મુશ્કેલ ટ્રાયથ્લોન ઈવેન્ટમાં ભાગ લીધો હતો. વ્યવસાયે વકીલ મંથન રાવલે આ સ્પર્ધા 16:45 મિનિટમાં પૂરી કરી હતી. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દેશ-દુનિયામાંથી કુલ 3000 લોકો અમેરિકાના ટેક્સાસ પહોંચ્યા હતા.

માત્ર 3 હજાર લોકો જ લઈ શકે છે ભાગ

ટ્રાયથ્લોન સ્પર્ધા વિશે વાત કરતા મંથન રાવલે જણાવ્યું કે, ‘આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 6 મહિના અગાઉ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. માત્ર 3,000 લોકોને જ આ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળે છે. આ સ્પર્ધા કુલ 17 કલાકની હોય છે. જેમાં સવારે 7 વાગ્યે આ સ્પર્ધા શરૂ થાય છે તો રાત્રે 12 વાગ્યે પૂરી થાય છે. સ્પર્ધામાં ભાગ લેનાર બધા જ લોકોએ 17 કલાકમાં ફિનિશ લાઇન સુધી પહોંચવાનું હોય છે.’

ફિઝિકલની સાથે મેન્ટલ ફિટનેસ પણ જરૂરી

ટ્રાયથ્લોનની તૈયારીઓ વિશે વાત કરતા તેમણે વધુમાં જણાવ્યું કે, ‘આ સ્પર્ધામાં ભાગ લેવા માટે હું માર્ચ 2023થી તૈયારી કરી રહ્યો હતો. સપ્તાહમાં 10થી 12 કલાકની ફિઝિકલ ટ્રેનિંગ લેતો, જેમાં જુદા-જુદા પ્રકારની ટ્રેનિંગમાંથી પસાર થતો. હું દરરોજ ઓછામાં ઓછા 2 કલાક તેના માટે સમય ફાળવતો હતો. ટ્રેનિંગ દરમિયાન હાર્ટ રેટ ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. આ ઉપરાંત હું મારી ડાયટ અને લાઇફસ્ટાઇલનું પણ ખૂબ જ ધ્યાન રાખતો હતો કારણ કે, આ સ્પર્ધા ખૂબ જ મુશ્કેલ છે તેથી તેના માટે ફિઝિકલની સાથે-સાથે મેન્ટલ ફિટનેસ પણ ખૂબ જરૂરી છે. હું પ્યોર વેજિટેરિયન છું એટલે મારી ડાયટમાં પ્રોયટીનયુક્ત ખોરાક જેમ કે, દહીં, દાળ, બ્રોકલી ઉપરાંત હેલ્ધી કાર્બ્સ પણ લેતો હતો.’

દેશભરની વિવિધ સ્પર્ધાઓમાં પણ લીધો છે ભાગ

મંથન રાવલે મુંબઈ, દિલ્હી અને અમદાવાદ સહિત દેશના જુદા-જુદા શહેરોમાં યોજાયેલી ઘણી બધી મેરેથોન, અલ્ટ્રા મેરેથોન પણ પૂર્ણ કરી છે અને અલગ-અલગ સાયકલની સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે. 

શું છે આયર્નમેન ટ્રાયથ્લોન?

'આયર્નમેન ટ્રાયથ્લોન' રમતગમતની સૌથી મુશ્કેલ એક દિવસીય સ્પર્ધાઓમાંની એક છે. ટ્રાયથ્લોન એક મલ્ટિ સ્પોર્ટ્સ ઈવેન્ટ છે, જેમાં સ્વિમિંગ, સાયકલિંગ અને રનિંગ સામેલ છે. આ સ્પર્ધાનું કુલ અંતર 226 કિમી. છે. જેમાં સ્પર્ધકોએ નોનસ્ટોપ 3.8 કિમી. સ્વિમિંગ, 180 કિમી. સાયકલિંગ અને 42.2 કિમી. રનિંગ કરવાનું હોય છે. આ સ્પર્ધાનો કુલ સમય 17 કલાકનો હોય છે.

આ સમાચાર શેર કરો