Video/ Ahmedabadમાં નિકોલની આર.પી. વસાણી સ્કૂલને FRC દ્વારા 5 લાખ રૂપિયાનો દંડ, જાણો કેમ?
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી આર.પી. વસાણી સ્કૂલ સામે ફી નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફી નિયમન સમિતિ (FRC) દ્વારા શાળાને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આર.પી. વસાણી સ્કૂલે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ફી મંજૂર કરાવ્યા વગર જ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલતી હોવાનું સામે આવ્યું હતું. FRCના નિયમો મુજબ કોઈપણ ખાનગી શાળાએ ફી માળખું મંજૂર કરાવ્યા બાદ જ ફી ઉઘરાવવાની હોય છે, પરંતુ સ્કૂલે આ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
આ મામલે FRC દ્વારા શાળાને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસના જવાબમાં શાળા સંચાલન દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી હતી, જેના પગલે FRC દ્વારા નિયમ અનુસાર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
FRC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શાળાએ હવે શૈક્ષણિક વર્ષ 2023-24 અને 2025-26 માટેની ફી મંજૂરી ફરજિયાત રીતે લેવાની રહેશે. ભવિષ્યમાં ફરી આવી ભૂલ ન થાય તે માટે શાળાને ચેતવણી પણ આપવામાં આવી છે.
આ બાબતે અમદાવાદના ડીઈઓ રોહિત ચોધરીએ જણાવ્યું હતું કે FRCના નિયમોનું પાલન ન કરતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓના હિતોને નુકસાન થાય તેવું કોઈપણ વર્તન સહન કરવામાં નહીં આવે.

