VIDEO: ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી, જાણો કયા જિલ્લામાં વરસશે વરસાદ?
VIDEO: ગુજરાતમાં અત્યારે ડબલ સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ સૂર્યનારાયણ આકરા પાણીએ છે, તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં 'માવઠા'ની મોટી આગાહી કરી છે. આગામી 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાને પગલે ખેડૂતો અને નાગરિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
બે સિસ્ટમ સક્રિય થતા વાતાવરણ પલટાશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય થયું છે, જેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. આ ઉપરાંત, બે 'અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન' સિસ્ટમ પણ સક્રિય થતાં વાતાવરણમાં મોટો પલટો આવશે. આ સિસ્ટમની અસરને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
કયા વિસ્તારોમાં પડશે માવઠું?
29 અને 30 માર્ચના રોજ ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારો માટે હવામાન વિભાગે 'યલો એલર્ટ' પણ જાહેર કર્યું છે. વરસાદની સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
માછીમારો માટે ચેતવણી
ખરાબ હવામાન અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને માછીમારો માટે ખાસ સૂચના જાહેર કરવામાં આવી છે. આગામી 28 અને 29 માર્ચ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયું છે. કોસ્ટલ બેલ્ટ પર પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફની રહેશે, જે માછીમારી માટે જોખમી સાબિત થઈ શકે છે.
તાપમાનનો પારો અને ગરમીની સ્થિતિ
એક બાજુ વરસાદની આગાહી છે, તો બીજી બાજુ ગરમી પણ પોતાનો પ્રભાવ બતાવી રહી છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 38.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 38ડિગ્રી, અમદાવાદમાં 37 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો કંડલામાં સૌથી ઓછું 18.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, એટલે કે બપોરે આકરી ગરમીનો અનુભવ યથાવત રહેશે.

