VIDEO: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં માવઠું: 12 એપ્રિલ સુધી વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી
VIDEO: ગુજરાત અત્યારે બેવડી ઋતુના મારો સહન કરી રહ્યું છે. એકબાજું સૂર્યદેવ ભારે કોપાયમાન થયા છે અને પારો 40 ડિગ્રીને આંબી રહ્યો છે, ત્યાં બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની ગંભી આગાહી કરીને ખેડૂતો અને જનતાની ચિંતામાં વધારો કર્યો છે. આગામી 12 એપ્રિલ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળશે.
ક્યારે અને ક્યાં પડશે વરસાદ?
7 એપ્રિલથી આગામી 12 એપ્રિલ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. જોકે આ સમયગાળામાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે, પરંતુ આવતીકાલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આંધી-તોફાન અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને દ્વારકા.
માછીમારોને સૂચના
આગાહી મુજબ, વરસાદ સમયે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને જોતા માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
તાપમાનની સ્થિતિ
રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 36.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 35થી 36 ડિગ્રી અને ગાંધીનગરમાં 34.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે પરંતુ ભેજનું પ્રમાણ વધશે.

