VIDEO: રાજ્યમાં ભીષણ ગરમીની વચ્ચે માવઠાનું મોકાણ, ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી
VIDEO: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ માટે ભારે ગાજવીજ અને આંધી-તોફાન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ સક્રિય થવાને કારણે વાતાવરણમાં આ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
પવનની ગતિ અને વાતાવરણની સ્થિતિ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની સાથે સાથે રાજ્યમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આ કમોસમી ફેરફારને કારણે આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જે ગરમીથી આંશિક રાહત આપી શકે છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે.
આજે ક્યાં-ક્યાં વરસાદ પડશે?
આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ખાસ કરીને: ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા.
સૌરાષ્ટ્ર-કચ્છ: કચ્છ, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર. મધ્ય અને દક્ષિણ ગુજરાત: વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમન અને દાદરાનગર હવેલીમાં વરસાદની પ્રબળ શક્યતા છે.
3 એપ્રિલની આગાહી
આવતીકાલે એટલે કે 3 એપ્રિલે પણ વરસાદનો દૌર યથાવત રહેશે. મુખ્યત્વે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જામનગર અને દીવમાં વરસાદી ઝાપટા પડી શકે છે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ
રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં આકાશ વાદળછાયું રહેશે. વાદળછાયા વાતાવરણને કારણે બફારાનું પ્રમાણ વધી શકે છે, જોકે તાપમાનમાં ઘટાડો થતા ગરમીનું જોર ઘટશે.

