VIDEO: નરોડામાં ક્રાઈમ બ્રાન્ચનો નકલી પોલીસ બની 40 હજાર પડાવનાર રીઢો લૂંટારો ઝડપાયો
અમદાવાદ શહેરમાં પોલીસની ખોટી ઓળખ આપી નિર્દોષ નાગરિકોને ડરાવી-ધમકાવી પૈસા પડાવતી ટોળકીઓ સક્રિય થઈ છે, ત્યારે નરોડા પોલીસે સતર્કતા દાખવી એક નકલી પોલીસકર્મીને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી લોકો પાસેથી તોડ કરતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ હોવાનું કહીં ખોટી ડંફાસ મારી
એટીએમ પર લઈ જઈ નાણાં ઉપડાવ્યા નરોડા પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ એક ફરિયાદીને રસ્તામાં આંતરી પોતે ક્રાઈમ બ્રાન્ચમાં હોવાનું જણાવી ધમકાવ્યો હતો. બાઈકના કાગળો ચેક કરવાની આડમાં ફરિયાદીને કેસ કરવાની બીક બતાવી તેની પાસેથી કુલ રૂ. 40,000 પડાવ્યા હતા. આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. 15,000 રોકડા લીધા હતા અને ત્યારબાદ વધુ પૈસા માટે તેને શહેરના ત્રણ અલગ-અલગ એટીએમ (ATM) સેન્ટર પર લઈ ગયો હતો, જ્યાંથી વધુ રૂ.25,000 ઉપડાવી લૂંટ ચલાવી હતી.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ પોલીસના નામે લૂંટ અને મારામારી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે.
વર્ષ 2025માં ખોખરા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધાયો હતો. વર્ષ 2028માં મણિનગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો હતો. ઓઢવ પોલીસ સ્ટેશનમાં તેની સામે ચેન સ્નેચિંગનો ગુનો પણ નોંધાયેલ છે.
પોલીસની કાર્યવાહી
આ મામલે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રતિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ફરિયાદીની ફરિયાદના આધારે તાત્કાલિક ટૅકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી તેની સામે લૂંટ અને પોલીસની ખોટી ઓળખ આપવા બદલ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

