Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Two arrested for theft worth lakhs in Angadiya firm in ahmedabad

Ahmedabad news: આંગડિયા પેઢીમાંથી લાખોની ચોરીમાં સંડોવાયેલા બે પકડાયા, મુખ્ય આરોપીને પકડી પાડવા તજવીજ

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: આંગડિયા પેઢીમાંથી લાખોની ચોરીમાં સંડોવાયેલા બે પકડાયા, મુખ્ય આરોપીને પકડી પાડવા તજવીજ
સોર્સ : gstv

અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક જાણીતી આંગડિયા પેઢીમાં મોટી ચોરીની ઘટના સામે આવી હતી. રતનપોળ સ્થિત પેઢીમાં કામ કરતો એક કર્મચારી ભુજ ખાતે ડિલિવરી આપવા માટે સોંપાયેલા સોના, ચાંદી અને ડાયમંડના કરોડોના કિંમતી દાગીના લઈને રસ્તામાંથી જ ફરાર થઈ ગયો હતો. આ મામલે ઝોન-3 એલસીબી (LCB) પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને મુદ્દામાલ સગેવગે કરવા આવેલા બે સાગરીતોને 80 લાખ રૂપિયાના દાગીના સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

App Store

ભુજ ડિલિવરી આપવા જવાના બહાને દાગીના બારોબાર સેરવ્યા

મળતી માહિતી અનુસાર, રતનપોળની આંગડિયા પેઢીમાં કામ કરતા જીગરસિંહ વિહોલ નામના કર્મચારીને ગત છઠ્ઠી મેના રોજ સોના, ચાંદી અને ડાયમંડના કિંમતી દાગીનાની ભુજ ખાતે સેફ ડિલિવરી કરવાની જવાબદારી સોંપાઈ હતી. જોકે, જીગર નિયત સ્થળે પહોંચ્યો જ નહોતો અને રસ્તામાંથી જ કિંમતી દાગીના લઈને ગાયબ થઈ ગયો હતો. કર્મચારીનો કોઈ પતો ન લાગતાં આખરે આંગળિયા પેઢીના સંચાલકોએ ગત 11મી મેના રોજ કાલુપુર પોલીસ મથકે ચોરીની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

સિંગાપોર રિટર્ન બેરોજગારોએ મોજશોખ માટે શોર્ટકટ અપનાવ્યો

ડી ડિવિઝનના એસીપી (ACP) જીતેન્દ્ર ચૌધરીના જણાવ્યાનુસાર, પકડાયેલા આરોપીઓ અગાઉ સિંગાપોર રહી ચૂક્યા છે. હાલ તેઓ બેરોજગાર હોવાથી મોજશોખ કરવા અને ફરી વિદેશ પ્રવાસ માટે મોટી રકમ ભેગી કરવા ઝડપી પૈસા કમાવવાનો આ શોર્ટકટ અપનાવ્યો હતો.

આ ચોરીનું સંપૂર્ણ પ્લાનિંગ મુખ્ય આરોપી જીગરસિંહ અને તેને સાત દિવસ પહેલા જ આંગળિયા પેઢીમાં નોકરી પર રખાવનાર ગુનાઈત ઈતિહાસ ધરાવતા વિપુલ ઠાકોરે કર્યું હતું. યોજના મુજબ, જીગર પેઢીમાંથી કરોડોનો સામાન સેરવીને સીધો સુરેન્દ્રનગર પહોંચ્યો હતો, જ્યાં તેણે પોતાના સાથીદાર અજય અને દીપક રાવળ સાથે મુલાકાત કરી હતી. અજય અને દીપકને આ ચોરીના દાગીના વેચીને રોકડા રૂપિયા કરવાની જવાબદારી સોંપાઈ હતી. નવાઈની વાત એ છે કે, તેઓ આ ચોરીનો માલ વેચવા માટે ફરી રતનપોળની જ એક જ્વેલર્સની દુકાને આવ્યા હતા.

રતનપોળમાં જ એલસીબી પોલીસે ગોઠવી જાળ

આ ગુનાની તપાસ કરી રહેલી ઝોન-3 એલસીબીના પીએસઆઈ (PSI)ને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીનો મુદ્દામાલ વેચવા માટે બે શંકાસ્પદ ઇસમો રતનપોળ વિસ્તારમાં ફરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક છટકું ગોઠવ્યું હતું અને વોચ રાખીને અજયજી મથુરજી ઠાકોર તથા દીપકભાઈ રાવળને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલો અંદાજે 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરી લીધો છે. જોકે, આ કેસના મુખ્ય સૂત્રધાર એવા આંગળિયા પેઢીના કર્મચારી જીગરસિંહ વિહોલ અને વિપુલ ઠાકોર હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડી પાડવા માટે કાલુપુર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.