અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો 25 ડિસેમ્બરથી પ્રારંભ, 6 થીમ આધારિત શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 7 હોટસ્પોટ બનશે આકર્ષણનું કેન્દ્ર

શહેરમાં ખરીદી, મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2026-27નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલનો પ્રારંભ 25 ડિસેમ્બર, 2026થી થશે અને 17 જાન્યુઆરી, 2027 સુધી ચાલશે. કુલ 24 દિવસના આ મહોત્સવમાં શહેરના 6 થીમ આધારિત શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 7 શોપિંગ હોટસ્પોટ મુખ્ય આકર્ષણ બનશે. ફેસ્ટિવલ દરમિયાન નાગરિકોને ખરીદીની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાણીપીણી અને મનોરંજનની વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણવાની તક મળશે. સાથે જ સ્થાનિક વેપારીઓ, કારીગરો અને સ્ટ્રીટ વેન્ડર્સના વ્યવસાયને વેગ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
શહેરમાં 6 થીમ આધારિત શોપિંગ ડિસ્ટ્રિક્ટ તૈયાર થશે
આ વર્ષના ફેસ્ટિવલમાં અમદાવાદના અલગ-અલગ વિસ્તારોને વિશિષ્ટ થીમ સાથે શોપિંગ ડિસ્ટ્રિક્ટ તરીકે વિકસાવવામાં આવશે.
-
સિંધુભવન રોડ: ફેશન સ્ટ્રીટ
-
સાબરમતી રિવરફ્રન્ટ: ફ્લાવર સ્ટ્રીટ
-
નિકોલ: ક્રાફ્ટ સ્ટ્રીટ
-
વસ્ત્રાપુર: સેન્ટ્રલ પાર્ક
-
માણેકચોક અને રતનપોળ: હેરિટેજ પોલ સ્ટ્રીટ
-
સી.જી. રોડ: જ્વેલરી સ્ટ્રીટ
આ તમામ વિસ્તારોને અલગ-અલગ થીમ પ્રમાણે સજાવવામાં આવશે, જેથી ખરીદદારોને એક જ સ્થળે તેમની પસંદગીની વસ્તુઓ અને વિશિષ્ટ શોપિંગનો અનુભવ મળી રહે.
7 શોપિંગ હોટસ્પોટ પણ બનશે આકર્ષણ
શોપિંગ ફેસ્ટિવલને શહેરવ્યાપી બનાવવા માટે AMC દ્વારા સાત શોપિંગ હોટસ્પોટ પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પેલેડિયમ મોલ, બોપલ-આંબલી રોડ, રાજપથ રંગોલી રોડ, લો ગાર્ડન, કાંકરિયા, વિસ્તૃત ચાંદખેડા-મોટેરા વિસ્તાર તેમજ કંકુ બાગ મોલ અને દેવ મોલ (વસ્ત્રાલ)નો સમાવેશ થાય છે. આ સ્થળોએ પણ શોપિંગ અને મનોરંજનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે.
6 શૈક્ષણિક સંસ્થાઓ તૈયાર કરશે થીમ આધારિત ડિઝાઇન
આ વખતના ફેસ્ટિવલનું વિશેષ આકર્ષણ એ છે કે શહેરની છ અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓને છ થીમ આધારિત શોપિંગ સ્ટ્રીટ્સની ડિઝાઇન તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
-
NID દ્વારા ફેશન સ્ટ્રીટની ડિઝાઇન તૈયાર કરાશે.
-
NIFT દ્વારા ફ્લાવર સ્ટ્રીટની ડિઝાઇન તૈયાર કરાશે.
-
CEPT યુનિવર્સિટી દ્વારા ક્રાફ્ટ સ્ટ્રીટની ડિઝાઇન તૈયાર કરાશે.
-
નિર્મા યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ પાર્કની ડિઝાઇન તૈયાર કરાશે.
-
અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા હેરિટેજ પોલ સ્ટ્રીટની ડિઝાઇન તૈયાર કરાશે.
-
કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા જ્વેલરી સ્ટ્રીટની ડિઝાઇન તૈયાર કરાશે.
આ પહેલના માધ્યમથી વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને ડિઝાઇન કૌશલ્યને શહેરના આયોજન સાથે જોડવામાં આવશે.
ખરીદી પર લકી ડ્રો અને આકર્ષક ઇનામોની તક
શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન ખરીદી કરતા નાગરિકો માટે રેફલ અને લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવશે. જેના માધ્યમથી ખરીદદારોને વિવિધ આકર્ષક ઇનામો જીતવાની તક મળશે. આમ, ખરીદીની સાથે મનોરંજન અને ઇનામોનો પણ સમન્વય જોવા મળશે.
નાગરિકો અને વેપારીઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન
ફેસ્ટિવલમાં વધુમાં વધુ લોકો જોડાઈ શકે તે માટે AMC દ્વારા ઓનલાઈન પાસ બુકિંગ અને રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે.
- નાગરિકો માટે પાસ બુકિંગ:
- વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે રજિસ્ટ્રેશન:
આ ઉપરાંત એન્ડ્રોઇડ અને iOS મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
AMCનો ઉદ્દેશ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના માધ્યમથી સ્થાનિક વેપાર-ધંધાને પ્રોત્સાહન આપવાનો, વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને નવી તકો પૂરી પાડવાનો તેમજ નાગરિકોને ખરીદી અને મનોરંજનનો અનોખો અનુભવ આપવાનો છે. ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં અમદાવાદના બજારોમાં ખાસ રોનક જોવા મળશે.














