યુવાનોમાં પર્સનલ લોનનું ચલણ વધ્યું, અમદાવાદમાં લોનની માંગમાં 38%નો ઉછાળો; મહિલાઓની ભાગીદારી પણ વધી

દેશના યુવા પ્રોફેશનલ્સમાં પર્સનલ લોન લેવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ 'ભારતલોન'ના 'ડેટા રિપોર્ટ ૨૦૨૬' મુજબ, કંપનીમાંથી પર્સનલ લોન લેનારા કુલ ગ્રાહકોમાં ૨૫થી ૩૦ વર્ષની વયજૂથના યુવાનોનો હિસ્સો હવે ૨૦ ટકા (દર પાંચમાંથી એક) થી વધુ થઈ ગયો છે.
યુવા વર્ગમાં લોનની રકમ અને સંખ્યા બંને વધ્યા
રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૨૫માં ૨૫થી ૩૦ વર્ષના યુવાનોનો લોન કેસમાં હિસ્સો ૧૮ ટકા હતો, જે ૨૦૨૬માં વધીને ૨૨.૧ ટકા થયો છે. આ જ સમયગાળામાં કુલ લોનની રકમમાં તેમનો હિસ્સો ૧૩ ટકાથી વધીને ૧૭.૭ ટકા પર પહોંચ્યો છે, જે ૩૬ ટકાનો મોટો ઉછાળો દર્શાવે છે. જો ૨૫થી ૩૫ વર્ષના સમગ્ર યુવા વર્ગની વાત કરીએ તો, કંપનીના કુલ લોન કેસમાં તેમનો હિસ્સો ૪૬.૧ ટકાથી વધીને ૪૭.૯ ટકા થયો છે. જ્યારે કુલ વિતરિત કરાયેલી લોનની રકમમાં તેમનો હિસ્સો ૩૮.૯ ટકાથી વધીને ૪૩.૩ ટકા થયો છે. આ આંકડા દર્શાવે છે કે અડધોઅડધ લોન કેસ હવે આ યુવા વયજૂથના જ છે.
મહિલા લોનધારકોની સંખ્યામાં ૨૮.૬ ટકાનો વધારો
પર્સનલ લોન લેવામાં મહિલાઓની ભાગીદારી પણ વધી રહી છે. વર્ષ ૨૦૨૫માં કુલ લોન કેસમાં મહિલાઓનો હિસ્સો ૧૧.૨ ટકા હતો, જે ૨૦૨૬માં વધીને ૧૪.૪ ટકા થયો છે (લગભગ ૨૮.૬ ટકાનો વધારો). કુલ લોનની રકમમાં પણ મહિલાઓનો હિસ્સો ૧૦.૯ ટકાથી વધીને ૧૩.૯ ટકા થયો છે. જોકે, હજુ પણ પ્લેટફોર્મ પર દર છમાંથી એક કરતાં ઓછી લોન મહિલાઓના નામે છે.
અમદાવાદમાં લોનની માંગ ઝડપથી વધી
શહેરોની વાત કરીએ તો લોન લેવામાં બેંગલુરુ ૧૯.૮ ટકા કેસ અને ૨૩.૩ ટકા લોન મૂલ્ય સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ નવી દિલ્હીનો હિસ્સો ૧૪.૨ ટકાથી વધીને ૧૫.૯ ટકા અને મુંબઈનો હિસ્સો ૧૦.૧ ટકાથી વધીને ૧૦.૭ ટકા થયો છે.
દેશના મુખ્ય શહેરોમાં અમદાવાદ સૌથી ઝડપથી વિકસતા બજાર તરીકે ઉભરી આવ્યું છે. અમદાવાદમાં લોન કેસનો હિસ્સો ૨૦૨૫ના ૪.૨ ટકાથી વધીને ૨૦૨૬માં ૫.૮ ટકા થયો છે, જે સાપેક્ષ રીતે અંદાજે ૩૮ ટકાનો વધારો દર્શાવે છે. આ ઉપરાંત, મુંબઈ અને થાણેનો સંયુક્ત હિસ્સો ૨૩.૧ ટકા રહ્યો છે, જ્યારે કોલકાતા વિસ્તારના ૨૪ પરગણાએ ૪.૯ ટકા હિસ્સા સાથે ટોપ-૧૦ બજારોમાં સ્થાન મેળવ્યું છે.












