ગેનીબેન ઠાકોરનો ભાજપ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરી વિપક્ષને દબાવવાનો પ્રયાસ’

અમદાવાદમાં સંવિધાન રક્ષા માર્ચ દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ દ્વારા બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરીને વિપક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, બંધારણ દ્વારા દેશના દરેક નાગરિકને એક વ્યક્તિ, એક મતનો અધિકાર આપવામાં આવ્યો છે.
ગેનીબેન ઠાકોરે ડીસાની ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ગઈકાલે તેઓ ડીસા ગયા હતા, જ્યાં 250 પરિવારોને સનદ આપવામાં આવી હતી. આ પરિવારોને ઈન્દિરા આવાસ યોજના હેઠળ મકાનો મળ્યાં હતાં, પરંતુ હવે પ્રાણી સંગ્રહાલય બનાવવાનું હોવાથી તેમને નોટિસ આપવામાં આવી રહી છે.
ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ બંધારણ બનાવ્યું છે અને કોંગ્રેસ જ બંધારણ બચાવવાનું કામ કરશે. બંધારણીય અધિકારો અને લોકશાહીની રક્ષા માટે કોંગ્રેસ લડત ચાલુ રાખશે.













