અમદાવાદમાં ડ્રગ્સ ફેક્ટરી કેસમાં ચોંકાવનારા ખુલાસા, આરોપી યુટ્યુબ-ગૂગલથી શીખી બનાવતો હતો MD ડ્રગ્સ

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા લબ્બેક પાર્કના બંગલાના ભોંયરામાંથી ઝડપાયેલી એમડી(મેફેડ્રોન) ડ્રગ્સ બનાવવાની મીની ફેક્ટરીના કેસમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન અત્યંત ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) દ્વારા આરોપી મુદ્દસર પઠાણને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે, કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીના 17 નવેમ્બરના સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ડ્રગ્સના કાળા નાણાંમાંથી ₹1.5 કરોડનો બંગલો ખરીદ્યાની આશંકા
કોર્ટમાં સુનાવણી દરમિયાન NCB અને ખાસ સરકારી વકીલ મહેશ પટેલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપી મુદ્દસર પઠાણ જે બંગલામાં રહે છે તેની બજાર કિંમત ₹1.5 કરોડથી વધુ છે. આરોપીએ ડ્રગ્સના વેચાણમાંથી થયેલી કાળી કમાણીમાંથી આ બંગલો ખરીદ્યો છે કે કેમ, તે દિશામાં તેના તમામ નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓની તપાસ કરવી અત્યંત જરૂરી છે.
રાજસ્થાનમાં ટ્રેનિંગ અને YouTube પરથી શીખ્યો ડ્રગ્સ બનાવવાની રીત
તપાસમાં એવી પણ ચોંકાવનારી વિગત બહાર આવી છે કે, આરોપી વર્ષ 2024થી એટલે કે છેલ્લા બે વર્ષથી પોતાના ઘરના ભોંયરામાં ગુપ્ત રીતે એમડી ડ્રગ્સની લેબોરેટરી ચલાવતો હતો. તેણે અગાઉ રાજસ્થાનમાં ડ્રગ્સ બનાવવાની પ્રાથમિક તાલીમ લીધી હતી અને ત્યારબાદ યુ-ટ્યુબ તથા ગૂગલ પર પ્રોસિજર સર્ચ કરીને ઘરે જ ડ્રગ્સ તૈયાર કરતો હતો. તે મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી રો-મટિરિયલ અને કેમિકલ મંગાવતો હતો.
'રતલામ કાફે'માં યુવાનોને સપ્લાય અને સિન્ડિકેટની તપાસ
સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી મુદ્દસર પોતે પણ એમડી ડ્રગ્સનો બંધાણી છે અને તે પોતાના 'રતલામ કાફે'માં આવતા યુવાનોને પણ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. દરોડા દરમિયાન તેના ઘરેથી 130 કિલો કેમિકલ અને 26.67 ગ્રામ તૈયાર એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ બનાવવા માટે આરોપીને આર્થિક મદદ કોણે કરી અને આ સમગ્ર સિન્ડિકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે, તે જાણવા માટે NCB દ્વારા આરોપીના ફોન રેકોર્ડ્સ અને સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.














