Video: રાયસણના પંચેશ્વર રામજી મંદિરમાં ભજન જેમિંગની રમઝટ, યુવાનો ભક્તિમાં તરબોળ

આજની યુવા પેઢી આધુનિક સંગીતની સાથે પોતાની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસા સાથે પણ જોડાયેલી રહે તેવા હેતુથી રાયસણ સ્થિત પ્રાચીન પંચેશ્વર રામજી મંદિરમાં રવિવારે અનોખા 'ભજન જેમિંગ' (Bhajan Jamming) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને ભાવિકો જોડાયા હતા. ભજન, સંગીત અને ભક્તિના ત્રિવેણી સંગમથી મંદિરનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ભજન સંધ્યામાં યુવાનોએ સંભાળી વાજિંત્રોની કમાન
સામાન્ય રીતે ભજન સંધ્યા વડીલો સાથે જોડાયેલી પ્રવૃત્તિ માનવામાં આવે છે, પરંતુ પંચેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આ માન્યતાને નવી દિશા આપી હતી. યુવાનોએ જાતે જ તબલાં, હાર્મોનિયમ અને ઢોલક જેવાં વાજિંત્રો સંભાળ્યાં હતાં. યુવા કંઠે જ્યારે 'જય આદ્યાશક્તિ' અને ભગવાન મહાદેવની સ્તુતિઓ રજૂ થઈ ત્યારે ઉપસ્થિત ભાવિકો ભક્તિભાવમાં તરબોળ થઈ ગયા હતા. કાર્યક્રમની વિશેષતા એ હતી કે તેમાં કોઈ ઔપચારિક મંચ કે નિશ્ચિત કાર્યક્રમ ન હતો. જે યુવાનને જે ભજન યાદ આવે તે શરૂ કરે અને અન્ય લોકો તેમાં સૂર પુરાવતા જાય. આ અનોખી શૈલીએ કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવ્યો હતો.
યુવા મિત્રોની ટોળકીએ કર્યું આયોજન
આ સમગ્ર ભક્તિમય કાર્યક્રમનું આયોજન આદિત્ય, સત્યમ, પરમ, સચિન, તીર્થ પટેલ અને કશ્યપ મોદીએ સાથે મળીને કર્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ, આજની યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક વારસા સાથે જોડવાનો આ એક નમ્ર પ્રયાસ હતો. આયોજકોએ જણાવ્યું હતું કે ભક્તિ માત્ર પરંપરા નથી, પરંતુ એક ઊર્જા છે. જ્યારે યુવાનો આ ઊર્જાને સંગીત અને ભજનના માધ્યમથી વ્યક્ત કરે છે ત્યારે મંદિરનું વાતાવરણ જીવંત બની જાય છે.
'હર હર મહાદેવ'ના નાદથી ગૂંજ્યું મંદિર
સંધ્યા આગળ વધતી ગઈ તેમ તેમ ભાવિકોની સંખ્યામાં પણ વધારો થતો ગયો હતો. સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. કાર્યક્રમના અંતે આયોજક યુવાનોએ ભવિષ્યમાં પણ આ પ્રકારની ભજન સંધ્યાઓ નિયમિત યોજવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, જેથી વધુમાં વધુ યુવાનો ભક્તિ અને આધ્યાત્મિકતા સાથે જોડાઈ શકે. રાયસણમાં યોજાયેલા આ અનોખા કાર્યક્રમને સ્થાનિક લોકો તરફથી પણ ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો.








