Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Shocking case of child marriage in Ahmedabad, police reach preparation for child marriage

અમદાવાદમાં બાળલગ્નનો ચોંકાવનારો કિસ્સો, 3 સગીરા બાદ ચોથીના બાળલગ્નની તૈયારીમાં પહોંચી પોલીસ

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં બાળલગ્નનો ચોંકાવનારો કિસ્સો, 3 સગીરા બાદ ચોથીના બાળલગ્નની તૈયારીમાં પહોંચી પોલીસ
સોર્સ : gstv

અમદાવાદના નારોલ વિસ્તારમાં બાળલગ્નનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકની સમયસરની જાણકારીના પગલે 181 અભયમ સહિતની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી માત્ર 11 વર્ષની સગીરાના લગ્ન અટકાવી દીધા હતા. લગ્નસ્થળે 17 વર્ષના સગીર વરરાજાની જાન પણ પહોંચી ચૂકી હતી અને લગ્નની વિધિ શરૂ થવાની તૈયારી હતી. બરાબર આ સમયે 181 અભયમની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.

App Store

પ્રાથમિક પૂછપરછ દરમિયાન પરિવારજનોએ સગીરાની ઉંમર છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઓળખના પુરાવા તપાસવામાં આવતા બાળકીની ઉંમર માત્ર 11 વર્ષ હોવાનું સામે આવ્યું હતું. સામે પક્ષે લગ્ન કરવા આવેલો છોકરો પણ 17 વર્ષનો સગીર હોવાનું બહાર આવ્યું હતું. બંને પક્ષ સગીર હોવાથી ટીમે તાત્કાલિક લગ્ન અટકાવી બાળકીનું રેસ્ક્યૂ કર્યું હતું.

લગ્નમંડપમાં જાન પહોંચી, ત્યાં જ 181ની ટીમ આવી પહોંચી

નારોલના એક વિસ્તારમાં લગ્નનો માહોલ જામ્યો હતો અને વરરાજાની જાન પણ આવી પહોંચી હતી. આ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકે જાણ કરી હતી કે અહીં સગીર વયની બાળકીના લગ્ન કરાવવામાં આવી રહ્યા છે.

માહિતી મળતાં જ 181 અભયમની ટીમ તાત્કાલિક લગ્નસ્થળે પહોંચી હતી. ટીમે પરિવારજનોની પૂછપરછ શરૂ કરતાં માતા-પિતાએ બાળકી પુખ્ત વયની હોવાનું કહી ટીમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અધિકારીઓએ ઓળખના પુરાવા માગી તપાસ કરતાં બાળકી માત્ર 11 વર્ષની હોવાનું સ્પષ્ટ થયું હતું. બીજી તરફ લગ્ન માટે આવેલો યુવક પણ 17 વર્ષનો હોવાનું સામે આવ્યું હતું.

બંને પક્ષ સગીર હોવાથી લગ્ન અટકાવાયા

બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, 2006 હેઠળ સગીર વયે લગ્ન કરાવવા કાયદેસર ગુનો છે. બંને પક્ષ સગીર હોવાનું સ્પષ્ટ થતાં અભયમની ટીમે પરિવારજનોને કાયદાકીય કાર્યવાહી અંગે જાણ કરી હતી. કોઈપણ પ્રકારનું ઘર્ષણ ન સર્જાય તે માટે 11 વર્ષની સગીરાને તાત્કાલિક સુરક્ષિત રીતે સ્થાનિક પોલીસ મથકે લઈ જવાઈ હતી.

આ સમગ્ર મામલે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ટીમ, જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU), 181 અભયમ અને ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી હતી. પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષના વાલીઓને બોલાવી સમગ્ર મામલે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

11 વર્ષની સગીરાને ચિલ્ડ્રન હોમમાં મોકલાઈ

કાઉન્સેલિંગ બાદ સગીરાનું નિવેદન લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ’ ખાતે મોકલી આપવામાં આવી હતી. બીજી તરફ માતા-પિતાએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને બાળકી પુખ્ત વયની થાય ત્યાં સુધી તેના લગ્ન નહીં કરાવવાની બાંહેધરી આપી હોવાનું સામે આવ્યું છે.

અધિકારીઓએ પરિવારજનોને સ્પષ્ટ સમજાવ્યું હતું કે સગીર વયે લગ્ન કરાવવાની કોઈપણ પરંપરા કે સામાજિક રિવાજ કાયદાથી ઉપર નથી. બાળલગ્ન અટકાવવા માટે કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે.

પરિવારની ત્રણ મોટી દીકરીઓના પણ બાળલગ્ન કરાવ્યાનો ઘટસ્ફોટ

આ સમગ્ર મામલે વધુ પૂછપરછ કરતાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પરિવાર અગાઉ પણ પોતાની ત્રણ દીકરીઓના સગીર વયે જ લગ્ન કરાવી ચૂક્યો છે. હાલ આ ત્રણેય દીકરીઓ કાયદાકીય રીતે સગીર હોવા છતાં તેમના લગ્ન થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું હતું.

પરિવારની ચોથી દીકરી માત્ર 11 વર્ષની છે અને તેના લગ્ન માટે પણ મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, 181 અભયમની સમયસરની કાર્યવાહીથી લગ્ન અટકાવી સગીરાને સુરક્ષિત બચાવી લેવામાં આવી હતી.

‘સમાજની પરંપરા’ના નામે બાળલગ્ન નહીં થાય

પૂછપરછ દરમિયાન માતા-પિતાએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે તેમના સમાજમાં દીકરીઓના વહેલા લગ્ન કરાવવાની પરંપરા છે અને તેઓ પણ આ જ રિવાજ મુજબ લગ્ન કરાવી રહ્યા હતા. જોકે, અભયમની ટીમે પરિવારને સમજાવ્યું હતું કે કોઈપણ સામાજિક પરંપરા કાયદાથી ઉપર નથી.

બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ હેઠળ સગીર વયે લગ્ન કરાવવાની કાર્યવાહી ગંભીર ગુનો બની શકે છે. નારોલની આ ઘટનામાં સમયસર મળેલી માહિતી અને 181 અભયમ સહિતની ટીમોની ઝડપી કાર્યવાહીના કારણે 11 વર્ષની સગીરાના બાળલગ્ન અટકાવી શકાયા હતા.