અમદાવાદમાં આજે વિસર્જન, જાણો કયા કયા રસ્તાઓ રહેશે બંધ

અમદાવાદમાં આજે (25મી સપ્ટેમ્બર) ગણેશ વિસર્જનના કારણે સરદાર બ્રિજ, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ ઈસ્ટ-વેસ્ટ સહિતના કેટલાક રસ્તાઓ બપોરે 1 વાગ્યા બાદ સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ રહેશે. જે અનુસંધાનમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરીને વૈકલ્પિક રૂટ પણ જાહેર કરાયા છે. સાથે સાથે આશ્રમ રોડ તેમજ શહેરના અન્ય રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતાને પગલે તેમજ કાયદો-વ્યવસ્થા સાચવવા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા તાકીદ
એરપોર્ટ અને રેલવે સ્ટેશન તરફ જતા લોકોને એકથી બે કલાક વહેલા નીકળવા માટે સલાહ આપવામાં આવી છે. કારણ કે શહેરના મહત્ત્વના રૂટ બંધ કરવામાં આવતા આશ્રમ રોડ અને અન્ય રૂટ પર અતિશય ટ્રાફિકની સ્થિતિ ઊભી થઈ શકે છે. ગણેશ વિસર્જન દરમિયાન જે માર્ગ બંધ રહેવાના છે અને તેના બદલે અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. ત્યારે નીચે મુજબના રસ્તાઓ બંધ રહેશે.
બપોરે 1 બાદ શહેરના અનેક રસ્તાઓ બંધ રહેશે
•એસ ટી ગીતામંદિરથી જમાલપુર બ્રિજ થઈને સરદાર બ્રિજ થઈ પાલડી જવા આવવાનો રસ્તો બંધ રહેશે. ત્યારે વૈકલ્પિક રૂટમાં એસ ટી ગીતામંદિરથી જમાલપુર બ્રિજ નીચેથી બહેરામપુરા દાણીલીમડા ચાર રસ્તાથી જમણી બાજુ આંબેડકર બ્રિજથી અંજલી ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તા અને આશ્રમ રોડ પર જઈ શકાશે.
•એસ ટી ગીતામંદિરથી રાયપુર ચાર રસ્તા થઈને સારંગપુર સર્કલથી રેલવે સ્ટેશન ઈનગેટ જવાના રસ્તો બંધ રહેશે. જેથી નરોડા તરફ જવા માટે એસ ટી સ્ટેશનથી ભુલાભાઈ ચાર રસ્તાથી કાંકરિયા ચોકી થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તાથી અનુપમ સિનેમા થઈ ગોમતીપુર રેલવે કોલોની થઈ કાળીદાસ ચાર રસ્તા થઈ સરસપુર આંબેડકર હોલ થઈ કાલુપુર બ્રિજ થઈને નરોડા તરફ જઈ શકાશે.
•કાલુપુર રેલવેથી સારંગપુર સર્કલ થઈ કાગડાપીઠથી રાયપુર ચાર રસ્તાથી આસ્ટોડિયા દરવાજાથી ખમાસા ચાર રસ્તા અને ત્યાંથી વિક્ટોરિયા ગાર્ડનથી એલિસબ્રિજ ટાઉન હોલ સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ રસ્તા વૈકલ્પિકમાં કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર સર્કલ થઈને આંબેડકર હોલ થઈને ગોમતીપુર રેલવે કોલોની થઈ અનુપમ સિનેમાથી અપ્સરા સિનેમા ચાર રસ્તાથી દાણીલીમડા થઈને આંબેડકર બ્રિજથી અંજલી ચાર રસ્તાથી પાલડી અને આશ્રમ રોડ તરફ જઈ શકાશે.
•રખિયાલ ચાર રસ્તાથી કાલીદાસ ચાર રસ્તાથી ચારતોળા કબરસ્તાન થઈ ડબ્બા બજાર થઈને સરસપુર આઈટીઆઈ થઈ ગુરુદ્વારા ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. તેના વૈકલ્પિક રૂટમાં રખિયાલ ચાર રસ્તા થઈ ગરીબ નગર ચાર રસ્તાથી મેમ્કો ચાર રસ્તાથી નરોડા ફ્રુટ માર્કેટના રૂટથી કાલુપુર જઈ શકાશે.
•દિલ્હી દરવાજા નમસ્તે સર્કલથી ટ્રાફિક ભવન (જૂની પોલીસ કમિશનર ઓફિસ)થી કેન્દ્રીય વિદ્યાલયના કટથી દધીચી બ્રિજ સુધીનો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ રહેશે. તેમજ દિલ્હી દરવાજાથી લીમડા ચોકથી લીથો પ્રેસ દધીચી બ્રિજ સુધીનો રસ્તો પણ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રહેશે. તેના વૈકલ્પિક રૂટમાં દિલ્હી દરવાજાથી ઈદગાહ સર્કલ થઈ અસારવાથી શાહીબાગ તરફ જઈ શકાશે. તેમજ દિલ્હી દરવાજાથી શાહપુર ચાર રસ્તાથી શંકરભુવનથી ગાંધી બ્રિજથી ઈનકમટેક્ષથી અવરજવર કરી શકાશે. સાથેસાથે રિવરફ્રન્ટ વેસ્ટ અને ઈસ્ટનો રસ્તો પણ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

