નિવૃત્ત જજ 3 વર્ષથી ગુમ, પોલીસની કામગીરી પર હાઈકોર્ટ લાલઘૂમ: 'જંગલમાંથી ચકલી શોધી શકો તો જજ કેમ નહીં?'

સપ્ટેમ્બર 2023થી ગુમ થયેલા નિવૃત્ત ન્યાયાધીશ રાજેશકુમાર ઓઝાની ભાળ મેળવવામાં પોલીસની કામગીરી અને ત્રણ વર્ષ સુધી FIR નોંધવામાં થયેલા વિલંબ સામે ગુજરાત હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે પોલીસની બેદરકારી અંગે સવાલો ઉઠાવતાં અમદાવાદ પોલીસ કમિશનર અને શાહીબાગ પોલીસ ઇન્સ્પેક્ટર પાસે જવાબ માગ્યો છે. હાઈકોર્ટની કડક ટકોર બાદ આખરે શુક્રવારે મોડી રાત્રે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત જજના ગુમ થવા અંગે FIR નોંધવામાં આવી હતી. નિવૃત્ત ન્યાયાધીશ રાજેશકુમાર ઓઝા સપ્ટેમ્બર 2023માં ગુમ થયા હતા. ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેમની પુત્રીની ફરિયાદના આધારે પોલીસે FIR નોંધી નહોતી. આથી તેમની પુત્રીએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ (Habeas Corpus) અરજી દાખલ કરી હતી. શુક્રવારે આ અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ ભાર્ગવ કારિયા અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
'જંગલમાંથી ચકલી શોધી શકો તો ગુમ જજ કેમ નહીં?'
સુનાવણી દરમિયાન જસ્ટિસ ભાર્ગવ કારિયાએ સરકારી વકીલ હાર્દિક દવેને ટકોર કરતાં કહ્યું હતું કે, "તમે જંગલમાંથી ચકલી પણ શોધી શકો છો અને અમે તમારી તાકાતથી વાકેફ છીએ. તેથી નાગરિકો સાથે આવું વર્તન ન થાય તેનું ધ્યાન રાખો." હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓને કોર્ટમાં બોલાવવાનો હેતુ ગુમ થયેલા લોકોની શોધખોળ માટે યોગ્ય સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરાવવાનો છે. પોલીસની રોજિંદી કામગીરીને અસર ન થાય તે માટે અલગ ટીમો પણ કાર્યરત કરી શકાય છે.
પુખ્ત વયના ગુમ વ્યક્તિઓ માટે પણ SOP બનાવવાના નિર્દેશ
હાઈકોર્ટે પોલીસ વિભાગને ગુમ થયેલા બાળકોને શોધવા માટે જે પ્રકારની સરકારી પ્રક્રિયા અમલમાં છે, તેવી જ ચોક્કસ વ્યવસ્થા પુખ્ત વયના ગુમ થયેલા નાગરિકોને શોધવા માટે પણ ઊભી કરવા નિર્દેશ આપ્યો છે. આ દરમિયાન કોર્ટે મે મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં પુખ્ત વયના ગુમ થયેલા લોકોને શોધવા માટે માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી હતી.
માત્ર ટેક્નોલોજી નહીં, હ્યુમન સોર્સનો પણ ઉપયોગ કરો
ગુમ થયેલા લોકોની શોધખોળમાં પોલીસની ટેક્નોલોજી પરની વધુ પડતી નિર્ભરતા સામે પણ હાઈકોર્ટે ટકોર કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, આધુનિક ટેક્નોલોજીની સાથે હ્યુમન સોર્સ (બાતમીદારો અને સ્થાનિક માહિતીના નેટવર્ક) મારફતે માહિતી મેળવવાની પરંપરાગત પદ્ધતિઓનો પણ ઉપયોગ થવો જોઈએ. માત્ર ટેક્નોલોજી પર આધાર રાખવાને બદલે તમામ ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરીને તપાસ કરવી જરૂરી છે.
પોલીસ કમિશનર અને PI પાસે 4 ડિસેમ્બર સુધીમાં જવાબ માગ્યો
જસ્ટિસ હેમંત પ્રચ્છકે FIR નોંધવામાં થયેલા વિલંબ અંગે અસંતોષ વ્યક્ત કરતાં નિવૃત્ત જજની પુત્રીની મુશ્કેલીઓ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, FIR નોંધાઈ ન હોવાથી પરિવારને ફેમિલી પેન્શન સહિતની અન્ય સરકારી પ્રક્રિયાઓમાં પણ મુશ્કેલી પડી રહી હતી. હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનર અને શાહીબાગ પોલીસ ઇન્સ્પેક્ટરને અત્યાર સુધીમાં લેવામાં આવેલા પગલાં તથા ભવિષ્યમાં કરવામાં આવનારી કાર્યવાહી અંગે 4 ડિસેમ્બર સુધીમાં વિગતવાર સોગંદનામું (Affidavit) રજૂ કરવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટની કડક કાર્યવાહીને પગલે આખરે ત્રણ વર્ષ બાદ નિવૃત્ત જજના ગુમ થવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.











