કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ ગોકળગાયની ગતિએ; રૂ. 1,026 કરોડ ખર્ચાયા છતાં કામ માત્ર 20 ટકા

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરીને વિશ્વસ્તરીય બનાવવાની યોજના કાગળ પર જેટલી આકર્ષક છે તેટલી તેની કામગીરીની ગતિ જોવા મળતી નથી. કેન્દ્ર સરકારના 150 કરોડ કે તેથી વધુ ખર્ચના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની કામગીરી પર દેખરેખ રાખતી કચેરી દ્વારા છેલ્લે જારી કરેલી યાદી મુજબ, રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં રૂ. 1,026.58 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. તેમ છતાં સરકારી આંકડા મુજબ ભૌતિક પ્રગતિ માત્ર 20 ટકા જ નોંધાઈ છે. આ સ્થિતિમાં કામગીરીની ઝડપ સામે સવાલો ઊભા થયા છે
સરકારી કચેરી દ્વારા જાહેર કરાયેલી પ્રોજેક્ટની યાદી મુજબ, અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે 24 જાન્યુઆરી, 2023ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. પ્રોજેક્ટનો મૂળ ખર્ચ રૂ. 2,379 કરોડ નક્કી કરાયો હતો અને 30 જૂન, 2027 સુધીમાં કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા રાખવામાં આવી છે.નકશા જુઓ
કાલુપુર સ્ટેશનના પુનઃનિર્માણમાં ગોકળ ગાયની ગતિ, 4 વર્ષમાં માત્ર 20 ટકા કામ
જોકે, અત્યાર સુધીમાં રૂ. 1,026.58 કરોડ ખર્ચાયા હોવા છતાં કામની પ્રગતિ માત્ર 20 ટકા જ નોંધાઈ છે. એટલેકે પ્રોજેક્ટના 4 વર્ષ જેટલા સમયગાળામાં પાંચમાં ભાગનું જ કામ પૂર્ણ થયું છે. આ આંકડા આરએલડીએસની કામગીરીની ઝડપ અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. એક તરફ સ્ટેશનને આધુનિક બનાવવાની મોટી જાહેરાતો થઈ રહી છે. તો બીજી તરફ જમીન પર કામની ગતિ અપેક્ષા કરતાં ઘણી ઓછી દેખાય છે. હવે બાકી રહેલું 80 ટકા કામ તેના નિર્ધારિત સમયમર્યાદામાં કેવી રીતે પૂર્ણ થશે તે જોવાનું રહ્યું.
વર્ષોથી ચાલતા પ્રોજેક્ટ ઢેરના ઢેર
ભારતીય રેલવે હેઠળ ગુજરાતમાં હાલ કુલ 27 રેલવે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આમાં ઘણાં એવા પણ પ્રોજેક્ટ છે જે વર્ષોથી ચાલતા હોવા છતાં તેની કામગીરી પૂર્ણ થઈ નથી. જેમાં અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર પ્રોજેક્ટને 2008માં મંજૂરી મળી હતી, જેની પ્રગતિ હજુ 91 ટકા જ થઈ છે. છોટાઉદેપુર- ધાર પ્રોજેક્ટ 2007માં મંજૂર થયો પરંતુ કામગીરી હજુ 58 ટકાએ જ પહોંચી છે. દાહોદ-ઈન્દોર પ્રોજેક્ટ પણ જૂનો છે જેની પ્રગતિ હજુ 57 ટકા જ થઈ છે. આ આંકડા રેલવે પ્રોજેક્ટની લાંબી પ્રક્રિયા અને ધીમી કામગીરી તરફ ધ્યાન દોરે છે.
મુંબઈ-અમદાવાદ વચ્ચે સુરક્ષા સિસ્ટમના કામમાં પણ એક વર્ષનો વિલંબ
ટ્રેનને અકસ્માતથી બચાવવા અને સુરક્ષિત મુસાફરી માટે મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ રેલવે રૂટ પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે. પરંતુ સરકારી આંકડા મુજબ, આ પ્રોજેક્ટનું અત્યાર સુધી માત્ર 20 ટકા જ કામ પૂર્ણ થયું છે. રૂ. 311 કરોડના મૂળ ખર્ચવાળા આ પ્રોજેક્ટનો ખર્ચ વધીને રૂ. 379.61 કરોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રૂ. 234.90 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે છતાં 80 ટકા કામ હજુ બાકી છે. ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટની સમયમર્યાદા હવે ડિસેમ્બર 2026 કરવામાં આવી છે.
ગુજરાતમાં ચાલતા અને મુદત લંબાવાયેલા રેલવે પ્રોજેક્ટ
| પ્રોજેક્ટનું નામ | ખર્ચ (કરોડમાં) | કામ પૂર્ણ | મૂળ સમયમર્યાદા | નવી સમયમર્યાદા |
| અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર | રૂ. 2,837.80 | 91% | માર્ચ 2024 | માર્ચ 2026 |
| મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ | રૂ. 379.61 | 20% | ડિસેમ્બર 2025 | ડિસેમ્બર 2026 |
| નળિયા-જખૌ પોર્ટ નવી બ્રોડગેજ લાઈન | રૂ. 410.29 | 5% | જાન્યુઆરી 2028 | ફેબ્રુઆરી 2028 |
| સાબરમતી ટ્રેનસેટ મેઈન્ટેનન્સ સુવિધા | રૂ. 249.67 | 91% | ડિસેમ્બર 2025 | મે 2026 |
| બરેજડી-નાંદેજ-ગેરતપુર-સાણંદ ચોથી લાઈન | રૂ. 2,402.71 | 25% | માર્ચ 2027 | જુલાઈ 2028 |










