અમદાવાદમાં કાયદો વ્યવસ્થા કથળી, ફરિયાદ પાછી ન ખેંચતાં વેપારી પુત્રના વ્યાજખોરે કર્યો અપહરણનો પ્રયાસ

મદાવાદ શહેરમાં જાણે હવે ખાખીનો ખૌફ ગાયબ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવાના દાવા વચ્ચે વસ્ત્રાપુર વિસ્તારમાં વ્યાજખોરોનો ખુલ્લો આતંક સામે આવ્યો છે. અગાઉ નોંધાવેલી વ્યાજખોરીની ફરિયાદ પાછી ખેંચવાની અદાવત રાખીને 4 જેટલા માથાભારે શખ્સોએ કાયદો હાથમાં લઈને વેપારીના પુત્રના અપહરણનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ જાહેરમાં માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની ઓફિસમાં તોડફોડ મચાવી હતી અને સ્ટાફને ડરાવી-ધમકાવીને રૂ. 1 લાખની રોકડ પડાવી લીધી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર વેપારી પુત્રએ 4 આરોપીઓ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદીની કારને આંતરી અપહરણનો પ્રયાસ
મળતી માહિતી પ્રમાણે, ફરિયાદી સોમવાર રાત્રે તેમના ડ્રાયવર સાથે પોતાની કારમાં બેસીને જઈ રહ્યા હતા. આ દરમિયાન વસ્ત્રાપુર તળાવ પાસે બે શખ્સોએ તેમની કારને આંતરી હતી. અગાઉ વ્યાજખોરી અંગે નોંધાવેલી ફરિયાદ પાછી ન ખેંચવા બાબતે ઉશ્કેરાયેલા બંને શખ્સોએ ફરિયાદીને જબરજસ્તી કારમાંથી નીચે ઉતાર્યા હતા અને બળજબરીપૂર્વક મોપેડ પર બેસાડીને તેમનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ફરિયાદીને માર મારી, ધમકી આપી
આ સમયે જીવ બચાવવા માટે ફરિયાદીએ ચાલુ મોપેડ પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતાં આરોપીઓ વધુ ઉશ્કેરાયા હતા. બંને શખ્સોએ તેમને પકડી લઈને શબ્દો કહ્યા અને માર માર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જોકે, બૂમાબૂમ થતાં આસપાસના રાહદારીઓ અને સ્થાનિક લોકોનું ટોળું એકત્ર થઈ જતાં બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી ભાગ્યા બાદ પણ આરોપીએ ફરિયાદીને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઓફિસમાં તોડફોડ કરી રૂ. 1 લાખની લૂંટ
આટલેથી ન અટકતાં, આ બનાવ બાદ તરત જ 4 જેટલા શખ્સો ફરિયાદીની ઓફિસે ધસી ગયા હતા. ઓફિસમાં ઘૂસીને આ ચારેય શખ્સોએ આતંક મચાવ્યો હતો અને ઓફિસમાં રહેલી વસ્તુઓમાં તોડફોડ કરીને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. તોડફોડ બાદ આરોપીઓએ ઓફિસમાં હાજર સ્ટાફને પણ ડરાવી-ધમકાવી તેમની પાસે રહેલા રોકડ રૂ. 1,01,600 બળજબરીપૂર્વક પડાવી લીધા હતા અને ત્યાંથી નાસી છૂટ્યા હતા.
4 શખ્સો સામે નોંધાયો ગુનો
શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે વેપારી વર્ગમાં ભયનો માહોલ ફેલાયો છે. હાલ તો ભોગ બનનારે 4 શખ્સો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણનો પ્રયાસ, મારમારી, તોડફોડ અને ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.












