અમદાવાદ રિવરફ્રન્ટ ફેઝ-2નું કામ ડિસેમ્બર 2027 સુધીમાં પૂરું થવાની શક્યતા, 1,285 કરોડનો ખર્ચ થવાનો અંદાજ

અમદાવાદ રિવરફ્રન્ટ ફેઝ-2નું કામ ડિસેમ્બર 2027 સુધીમાં પૂરું થવાની શક્યતા, 1,285 કરોડનો ખર્ચ થવાનો અંદાજ
તસવીર: Google
આ સમાચાર સાંભળો

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વિસ્તરણ માટે હાથ ધરવામાં આવેલા ફેઝ-2નું અત્યાર સુધીમાં 83 ટકા કામ પૂર્ણ થયું છે. અંદાજે 1,285 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ અંતર્ગત નદીના બંને કાંઠે ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી 11 કિમી વિસ્તારમાં વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટના બાકી રહેલા મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેરેજ કમ બ્રિજના કામ ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીએ વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.

રિવરફ્રન્ટ ફેઝ-2નું 83 ટકા કામ પૂર્ણ થયાનો દાવો

જાહેરાત

મુખ્યમંત્રીએ પશ્ચિમ કાંઠેથી પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર વચ્ચે બની રહેલા 6 લેનના બેરેજ કમ બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ. આ ઉપરાંત ફેઝ-2 અંતર્ગત સરદાર પટેલ એન્ક્લેવના કેનોપી સ્ટ્રક્ચર, કોટેશ્વર મહાદેવ મંદિર પાછળ અને ઇન્દિરા બ્રિજ નીચે ચાલી રહેલાં કામોની પણ સમીક્ષા કરી હતી. ફેઝ-3 અંતર્ગત કોતરપુર સામે પશ્ચિમ કાંઠે તથા કરાઈ નજીક નર્મદા કેનાલ એસ્કેપ પાસે ચાલી રહેલી કામગીરીની પ્રગતિ પણ જાણી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને કામગીરી ઝડપી બનાવવા માર્ગદર્શન આપ્યુ હતુ.

1,285 કરોડના પ્રોજેક્ટમાં 83% કામગીરી પૂર્ણ

સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-2માં નદીની લંબાઈ 5.50 કિમી છે. બંને કાંઠે વિકાસ થવાનો હોવાથી કુલ 11 કિમીનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 1,285 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. તેમાં ગ્રીન ઝોન, અલગ-અલગ લેવલ પર વૃક્ષારોપણ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ અને કલ્ચર માટેની જગ્યાઓ તેમજ નાગરિકો માટે બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

રિવર વોલ, મીડલ પ્રોમિનાડ સહિતના કામો 93 ટકા પૂર્ણ

ફેઝ-2ના વિવિધ કામોની એકંદર પ્રગતિ 83 ટકા સુધી પહોંચી છે. તેમાં સ્ટેપ્ડ એમ્બેન્કમેન્ટ, રિવર વોલ, એક્સેસ, મીડલ પ્રોમિનાડ સહિતનાં કામો 93 ટકા પૂર્ણ થયા છે. આ કામગીરી પાછળ 399.37 કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે અને તેને ફેબ્રુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. બીજી તરફ, નદીના બંને કાંઠે રોડ અને અન્ય સુવિધાઓ સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો 15 ટકા પૂર્ણ થયા છે. તેના માટે 180 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવમાં આવ્યો છે અને ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

બેરેજ કમ બ્રિજનું કામ 37 ટકા પૂર્ણ

ફેઝ-2નો મહત્ત્વનો ભાગ ગણાતા બેરેજ કમ બ્રિજનુ કામ પણ ચાલી રહ્યું છે. કેમ્પ સદર બજાર વચ્ચે બનનારા આ બ્રિજની લંબાઈ 1,048 મીટર હશે અને તે 6 લેનનો બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજ ઓટોમેટિક કન્ટ્રોલ સિસ્ટમથી સંચાલિત થશે. તેમાં 3.5 મીટર ઊંચાઈનો એર ફિલ્ડ રબર ટાઇપ સ્પેશ્યલાઇઝ્ડ બેરેજ બનાવવામાં આવી રહ્યો છે. આ બેરેજને કારણે ગાંધીનગર તરફના રિવરફ્રન્ટ વિસ્તારમાં પાણીનો સંગ્રહ જાળવી રાખી શકાશે. ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ બેરેજ બનવાનો દાવો કરવામાં આવ્યો છે. બેરેજ કમ બ્રિજનું અત્યાર સુધીમાં 37 ટકા કામ પૂર્ણ થયુ છે. આ બ્રિજ પાછળ 239.42 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે અને ડિસેમ્બર 2027 સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

ફેઝ-3માં પણ રિવરફ્રન્ટનો વિસ્તાર વધશે

ફેઝ-2 ઉપરાંત ફેઝ-3માં ઇન્દિરા બ્રિજથી નર્મદા મેઇન કેનાલ સુધી નદીના બંને કાંઠે વિકાસ કરવાની યોજના છે. આ વિસ્તારમાં નદીની લંબાઈ 5 કિમી છે, જે બંને કાંઠે મળીને 10 કિમી થાય છે. ફેઝ-2 અને ફેઝ-3 પૂર્ણ થયા બાદ સાબરમતી રિવરફ્રન્ટનો વિસ્તાર વધુ વિસ્તૃત બનશે. આ કામગીરી પૂર્ણ થતાં નાગરિકોને નદીકિનારે હરિયાળી, મનોરંજન, રમતગમત અને આરામ માટેની નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત