AMC હોસ્પિટલોમાં ડૉક્ટરો માટે નવા નિયમ; દિવસમાં 3 વખત પંચિંગ ફરજિયાત, ગેરહાજરી પર થશે કાર્યવાહી

AMC હોસ્પિટલોમાં ડૉક્ટરો માટે નવા નિયમ; દિવસમાં 3 વખત પંચિંગ ફરજિયાત, ગેરહાજરી પર થશે કાર્યવાહી
તસવીર: Google
આ સમાચાર સાંભળો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) સંચાલિત હોસ્પિટલોમાં ડૉક્ટરોની હાજરીને લઈને ચાલી રહેલી ફરિયાદો બાદ તંત્રએ હવે હાજરીની જૂની વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી ડૉક્ટરો સવારે 9 વાગ્યે અને સાંજે 5 વાગ્યે એમ માત્ર બે વખત બાયોમેટ્રિક હાજરી પૂરતા હતા. પરંતુ આ બંને સમયની હાજરી નોંધાવ્યા બાદ વચ્ચેના સમયગાળામાં ડૉક્ટરો હોસ્પિટલમાંથી ગેરહાજર રહેતા હોવાની અને ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદો થઈ હતી. હવે આ પદ્ધતિમાં ફેરફાર કરીને ડૉક્ટરોએ દિવસમાં ત્રણ વખત બાયોમેટ્રિક પંચ ઇન અને પંચ આઉટ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કે સવારે 9, બપોરે 2 અને સાંજે 5 વાગ્યે હાજરી નોંધાવવી પડશે.

AMC સંચાલિત હોસ્પિટલમાં ડૉક્ટરે ત્રણ વખત કરવું પડશે પંચિંગ

જાહેરાત

કોર્પોરેશન સંચાલિત SVP, એલ.જી., શારદાબેન અને નગરી સહિતની હોસ્પિટલોમાં ડૉક્ટરોની હાજરી અંગે અગાઉથી ફરિયાદો થતી હતી. જૂની વ્યવસ્થા મુજબ સવારે હોસ્પિટલ પહોંચ્યા બાદ ડૉક્ટરો બાયોમેટ્રિક સિસ્ટમમાં હાજરી નોંધાવતા અને સાંજે ફરજ પૂર્ણ કરતી વખતે ફરી પંચિંગ કરતા હતા. આ બે સમયની હાજરી વચ્ચે ડૉક્ટરો હોસ્પિટલમાં હાજર રહે છે કે નહીં તેની સતત ચકાસણી થતી નહોતી. પરિણામે સવારે હાજરી પૂરીને હોસ્પિટલની બહાર જતા હોવાની અને ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદો તંત્ર સુધી પહોંચી હતી.

2 વાગ્યે પણ ડૉક્ટરોએ બાયોમેટ્રિક પંચિંગ કરવું પડશે

આ બાબત મ્યુનિસિપલ કમિશનરના ધ્યાન પર પણ આવી હતી. ત્યારબાદ હાજરીની પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે તમામ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોના સુપ્રિટેન્ડેન્ટને સર્ક્યુલર મોકલીને નવી વ્યવસ્થા અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે. હવે માત્ર સવાર અને સાંજની હાજરી પૂરતી નહીં રહે, પરંતુ બપોરે 2 વાગ્યે પણ ડૉક્ટરોએ બાયોમેટ્રિક પંચિંગ કરવું પડશે. આથી દિવસના મધ્યભાગમાં પણ ડૉક્ટરો હોસ્પિટલમાં હાજર છે કે નહીં તેની નોંધ ઉપલબ્ધ રહેશે.

હવે સુપ્રિટેન્ડેન્ટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રોજનો રિપોર્ટ આપવો પડશે

નવી વ્યવસ્થામાં માત્ર ત્રણ વખત હાજરી પૂરાવવાની જોગવાઈ નથી, પરંતુ તેની દેખરેખની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. દરેક હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે ડૉક્ટરોની દૈનિક બાયોમેટ્રિક હાજરીનો રિપોર્ટ તૈયાર કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સોંપવાનો રહેશે. આ રિપોર્ટની મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવશે. આમ, હોસ્પિટલમાં ડૉક્ટરોની હાજરીની માહિતી હવે નિયમિત રીતે ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચશે.

એક હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા મુજબ, ડૉક્ટરોની ગેરહાજરી અંગે તેમને તેમજ મ્યુનિસિપલ કમિશનરને અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને તમામ હોસ્પિટલોમાં ત્રણ વખત બાયોમેટ્રિક હાજરી નોંધાવવા અંગેનો પત્ર મોકલવામાં આવ્યો છે. જો કે, કોઈ ડૉક્ટર નિર્ધારિત સમયે ઓપરેશનમાં વ્યસ્ત હોય તો તેમને કામગીરી પૂર્ણ થયા બાદ હાજરી નોંધાવવાની છૂટ આપવામાં આવી છે.

જૂની વ્યવસ્થામાં હાજરીના બે જ સમય, હવે વચ્ચેના ગાળાની પણ થશે ચકાસણી

અત્યાર સુધીની વ્યવસ્થામાં સવારે 9 અને સાંજે 5 વાગ્યાની હાજરીના આધારે ડૉક્ટરોની હાજરી નોંધાતી હતી. નવી પદ્ધતિમાં બપોરે 2 વાગ્યે પણ પંચિંગ ફરજિયાત કરાતાં વચ્ચેના સમયગાળામાં હોસ્પિટલમાં ડૉક્ટરોની હાજરી અંગે વધુ સ્પષ્ટતા મળી શકશે. ખાસ કરીને ખાનગી પ્રેક્ટિસ અને ફરજ દરમિયાન ગેરહાજરીની ફરિયાદો બાદ તંત્રએ આ ફેરફાર કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત