AMC ચીનમાં બનેલા 10 મેડિકલ મશીન ખરીદશે, સ્વદેશી અપનાવવાની વાતો માત્ર પ્રચાર પૂરતી?

AMC ચીનમાં બનેલા 10 મેડિકલ મશીન ખરીદશે, સ્વદેશી અપનાવવાની વાતો માત્ર પ્રચાર પૂરતી?
તસવીર: Google
આ સમાચાર સાંભળો

દેશમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાની વાતો વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા ચીનમાં ઉત્પાદિત મેડિકલ મશીનો ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 10 એલીસા રીડર અને એલીસા વોશર મશીન ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ મશીનોનો ઉપયોગ ડેન્ગ્યુ, હેપેટાઈટીસ બી, HIV, મેલેરિયા સહિત વિવિધ પ્રકારના ચેપ સંબંધિત ટેસ્ટ માટે કરવામાં આવશે. ચીનની કંપની દ્વારા ઉત્પાદિત આ મશીનોની ખરીદી પાછળ રૂપિયા 46.72 લાખનો ખર્ચ થશે.

સ્વદેશીના પ્રચાર વચ્ચે AMC ચીનમાં બનેલાં 10 મેડિકલ મશીન ખરીદશે

જાહેરાત

સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સ દ્વારા આ ખરીદી માટે ચોથી વખત રિટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમાં સૌથી ઓછા ભાવ આપનાર ગોવાની એજન્સી પાસેથી મશીનો ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. મશીનોના ઉત્પાદક તરીકે ચીનની કંપનીનું નામ દર્શાવવામાં આવ્યું છે. ટેકનિકલ સ્ક્રુટિની રિપોર્ટ અને નિષ્ણાત તબીબોની ભલામણના આધારે ખરીદીની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, જેને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.

દરેક મશીનની કિંમત રૂપિયા 4,67,250 નક્કી કરવામાં આવી છે. આ પ્રમાણે કુલ 10 મશીન ખરીદવા માટે રૂપિયા 46,72,500 ખર્ચવામાં આવશે. મશીનોની ખરીદી ચાર વર્ષની વોરંટી સાથે કરવામાં આવશે. વોરંટી પૂરી થયા બાદ પાંચમા વર્ષથી આઠમા વર્ષ સુધીના ચાર વર્ષ માટે પ્રતિ મશીન રૂપિયા 1,13,280નો કોમ્પ્રિહેન્સિવ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (CMC) ચાર્જ ચૂકવવાનો રહેશે.

શહેરના આરોગ્ય કેન્દ્રો અને બે જનરલ હોસ્પિટલમાં મશીનો મુકવામાં આવશે

ખરીદવામાં આવનારા મશીનોનું વિતરણ કોર્પોરેશન સંચાલિત વિવિધ આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો વચ્ચે કરવામાં આવશે. સાબરમતી, રખિયાલ, વસ્ત્રાલ, બહેરામપુરા અને નવા શરૂ થયેલા વિરાટનગર અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર(UCHC) ઉપરાંત રાણીપ અર્બન હેલ્થ સેન્ટર(UHC) ખાતે મશીનો મુકવામાં આવશે. આ ઉપરાંત એલ.જી. જનરલ હોસ્પિટલના પેથોલોજી વિભાગ અને શ્રીમતી શારદાબેન જનરલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં પણ તેનો ઉપયોગ થશે.

ખરીદી માટેનો ખર્ચ આરોગ્ય કેન્દ્રો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે આરોગ્ય વિભાગને ફાળવાયેલા બજેટમાંથી કરવામાં આવશે. જ્યારે બંને જનરલ હોસ્પિટલમાં મુકાનારા મશીનોનો ખર્ચ સંબંધિત હોસ્પિટલના બજેટમાંથી ચૂકવવામાં આવશે.

આ ઉપરાંત ભવિષ્યમાં કોર્પોરેશન સંચાલિત UHC, CHC અથવા હોસ્પિટલોમાં વધુ મશીનોની જરૂરિયાત ઊભી થાય તો વધારાના મહત્તમ 5 એલીસા રીડર અને એલીસા વોશર ખરીદવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે. આમ, હાલના 10 મશીનો ઉપરાંત જરૂરિયાત મુજબ વધુ 5 મશીનો ખરીદવાનો માર્ગ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત