ગુજરાતમાં મેઘતાંડવ: છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

ગુજરાતભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 259 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે અને નદી-નાળા છલકાઈ ગયા છે. જોકે, હવામાન વિભાગે આગામી સમયમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના વ્યક્ત કરી છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા હેત વરસાવ્યું
છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો કચ્છ પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કચ્છના અંજાર તાલુકામાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ગાંધીધામમાં 4.61 ઇંચ અને ભચાઉમાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જેમાં ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઇંચ, જામનગર શહેરમાં 5.59 ઇંચ અને રાજકોટના કોટડા સાંગાણીમાં 5.2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે.
આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આણંદના બોરસદમાં 5.51 ઇંચ, મહેસાણાના કડીમાં 4.29 ઇંચ, વડોદરાના કરજણમાં 4.29 ઇંચ, સુરત શહેરમાં 4.17 ઇંચ, અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ, ખેડાના નડિયાદમાં 4.06 ઇંચ અને અમદાવાદ શહેરમાં 3.43 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.

