Ahmedabad news: જુહાપુરામાં ઘરની અંદર ચાલતું ગેરકાયદે કોલસેન્ટર ઝડપાયું; અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી લૂંટતા 2 શખ્સો જેલભેગા

Ahmedabad news: અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેણાક સોસાયટીમાં ધમધમતા એક મોટા ગેરકાયદે કોલસેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રંગઅવધૂત સોસાયટીમાં રહેતા મુનાફખાન પઠાણના ઘરમાંથી વિદેશી નાગરિકોને છેતરવાનું આખું નેટવર્ક ઝડપાયું છે. પોલીસની રેડ દરમિયાન મુનાફખાનની સાથે ધોરણ 12 પાસ સકલૈન સિપાઈ નામનો યુવક પણ મળી આવ્યો હતો, જે આ કાળા કામમાં મદદ કરતો હતો.
કેવી રીતે આચરતા હતા છેતરપિંડી? (મોડસ ઓપરેન્ડી)
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ખૂબ જ શાતિર રીતે ટેક્નોલૉજીનો દુરુપયોગ કરતા હતા:
ડેટા ચોરી: મુનાફખાન ટેલિગ્રામ મારફતે વિદેશી નાગરિકોનો પર્સનલ ડેટા મેળવતો હતો.
ગૂગલ વોઈસનો ઉપયોગ: ડેટાના આધારે ગૂગલ વોઈસ એપ્લીકેશન દ્વારા અમેરિકન નાગરિકોને કોલ કે મેસેજ કરવામાં આવતા હતા.
લોનનું પ્રલોભન: આરોપીઓ પોતે અમેરિકાની પ્રતિષ્ઠિત લોન આપતી કંપનીના અધિકારી હોવાની ઓળખ આપતા હતા અને સસ્તી લોનની લાલચ આપી ખોટા 'લોન એપ્રૂવલ લેટર' મોકલતા હતા.
ગિફ્ટ કાર્ડ અને USDT દ્વારા પેમેન્ટનું કલેક્શન
વિદેશી નાગરિકો જાળમાં ફસાઈ જાય એટલે આરોપીઓ તેમની પાસે ચેક ડિપોઝિટ કરાવી તેના બદલામાં 'કેશ એપ' (Cash App), 'એપલ પે' (Apple Pay) અથવા વોલમાર્ટના ગિફ્ટ કાર્ડ્સ મેળવી લેતા હતા. આ ગિફ્ટ કાર્ડ્સ અને બારકોડને ટેલિગ્રામ પર વિવિધ વેન્ડરો પાસે પ્રોસેસ કરાવીને આંગડિયા મારફતે ભારતીય ચલણ અથવા USDT (ક્રિપ્ટોકરન્સી) માં કન્વર્ટ કરાવીને પૈસા મેળવતા હતા.
છેલ્લા 6 મહિનાથી ચાલતા આ કોલસેન્ટરમાં પોલીસે લેપટોપ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે કે આ નેટવર્કના તાર અન્ય કયા દેશો કે શહેરો સાથે જોડાયેલા છે.

