ડાકોર હોળી મેળો 2026: લાખો પદયાત્રીઓ આવશે પણ શૌચાલય ક્યાં? GSTVનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, સુવિધાઓના નામે મીંડું!
Dakor Holi Mela 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હોળીની પૂનમને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ભગવાન રણછોડરાયના દર્શને આવવાના છે. એક તરફ જિલ્લા કલેક્ટર પાયાની સુવિધાઓ આપવાના મોટા-મોટા દાવા કરી રહ્યા છે, ત્યારે GSTVના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. ડાકોરમાં શ્રદ્ધાળુઓ માટે શૌચાલયની વ્યવસ્થા અત્યંત કફોળી અને વિપરીત પરિસ્થિતિમાં જોવા મળી રહી છે.
એસટી ડેપોથી મંદિર સુધી સુવિધાઓનો અભાવ
યાત્રિકો માટે સૌથી મહત્ત્વનો માર્ગ એટલે એસટી ડેપોથી રણછોડરાય મંદિર. આ મુખ્ય માર્ગ પર એક પણ શૌચાલય કાર્યરત નથી. વિશ્વકર્મા મંદિર અને ગાંધીજીના બાવલા પાસે આવેલું શૌચાલય છેલ્લા 5 વર્ષથી તોડી પાડવામાં આવ્યું છે, જેનું હજુ સુધી નિર્માણ થયું નથી. પુરુષોત્તમ ભવન અને શાક માર્કેટની અંદરના ભાગમાં પણ એ જ પરિસ્થિતિ છે—ત્યાં પણ શૌચાલય તોડી નાખવામાં આવ્યું છે.
તોડી પડાયેલા શૌચાલયો અને વૃદ્ધોની હાલાકી
નગરપાલિકા 100 મીટરના અંતરે સુવિધા હોવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રણછોડરાય મંદિર નજીક અને કંકુ દરવાજા પાસેના શૌચાલયો તોડી પાડવામાં આવ્યા છે. કંકુ દરવાજા પાસે નવું શૌચાલય બની રહ્યું છે, પરંતુ મેળા પહેલા તે તૈયાર થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. હાલમાં વૃદ્ધો અને મહિલાઓને કુદરતી હાજતે જવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ગંદકી અને દારૂની પોટલીઓનું સામ્રાજ્ય
ઉમરેઠથી ડાકોર આવતા માર્ગ પર માધવ બાગ અને સર્કિટ ભવન પાસેના શૌચાલયો બંધ છે અને ગંદકીથી ખદબદતા જોવા મળ્યા છે. સૌથી આઘાતજનક દ્રશ્યો પુનિત આશ્રમથી મુખ્ય કુમાર શાળા વિસ્તારમાં જોવા મળ્યા, જ્યાં શૌચાલયમાં ગંદકીની સાથે સાથે દેશી દારૂની પોટલીઓ અને ઈંગ્લીશ દારૂની ખાલી બોટલોનો ખડકલો જોવા મળ્યો છે. ચાઈલ્ડ ટોયલેટ અને મહિલા ટોયલેટની સ્થિતિ પણ અત્યંત દયનીય છે.
ચારેય દિશામાં શૌચાલયો માત્ર 'શોભાના ગાંઠિયા'
મહુધા માર્ગ: દત્તાત્રેય મંદિર પાસેનું શૌચાલય ગંદકીથી ભરેલું અને બંધ હાલતમાં છે.
અમદાવાદ માર્ગ: ગણેશ ટોકીઝથી ખોડિયાર માતા મંદિર સુધીના વિસ્તારમાં પણ શૌચાલયો બંધ છે.
સત્યમ્ રેસીડેન્સી: અહીં શૌચાલય તો છે પણ પાણીની ટાંકી કે નળનું કનેક્શન જ નથી!
ડાકોર નગરપાલિકા દ્વારા ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ શહેર પ્રમુખ દીપક ખંભોળજાએ તંત્ર પર ઉગ્ર પ્રહારો કર્યા છે. સ્થાનિક રહીશો અને સિનિયર સિટીઝન મુકેશભાઈ સેવકે પણ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે લાખો પદયાત્રીઓ જ્યારે ડાકોર ઉમટી પડશે, ત્યારે તંત્ર આ "ગંદકીના સામ્રાજ્ય"માં કેવી રીતે સુવિધા પૂરી પાડશે?

