વઢવાણ-લખતર રોડ પર હિટ એન્ડ રનની ઘટના; માતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત, બાઈક ચાલક ગંભીર ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર રોડ પર પેપરમિલ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બે દેદાદરા ગામ આગળ અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારી ફરાર થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર લખતર તાલુકા પંચાયતના ટેકનિકલ આસિસ્ટન્ટ રવિભાઈ પરમારની પત્ની દીપિકાબેન પરમાર (ઉંમર 30 વર્ષ) અને તેમના પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
વઢવાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો
અકસ્માતમાં રવિભાઈ પરમારને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં વઢવાણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
અજાણ્યા વાહનચાલકને પકડવા તજવીજ
બીજી તરફ, અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. હાઈવે પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તેમજ અન્ય ઉપલબ્ધ સ્રોતોના આધારે વાહનની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

