VIDEO: ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા બેવડી ઋતુનો અનુભવ, જાણો હવામાન વિભાગની ઠંડી અને ગરમીને લઈ શું છે આગાહી?
VIDEO: ગુજરાતમાં હાલ ઠંડી અને ગરમીની બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાને કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
નલિયા સૌથી ઠંડું શહેર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો, કચ્છનું નલિયા 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. રાત્રિના સમયે તાપમાનમાં ઘટાડો થતા લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
અમદાવાદ અને ગાંધીનગરની સ્થિતિ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 17 થી 18 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે બપોરના સમયે સૂર્યપ્રકાશને કારણે મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આથી નાગરિકોને સવારે ઠંડી અને બપોરે ગરમી એમ મિશ્ર ઋતુનો સામનો કરવો પડશે.
વાતાવરણમાં મોટા ફેરફારની શક્યતા નહીવત
હાલમાં રાજ્યમાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત છે. પ્રદીપ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી સપ્તાહ સુધી આ પ્રકારે મિશ્ર વાતાવરણ જળવાઈ રહેશે. લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવા પણ સલાહ આપવામાં આવી છે.

