₹500નો દંડ ભરી રિઝર્વેશન કોચમાં ઘૂસે છે જનરલ મુસાફરો, કન્ફર્મ સીટના પ્રવાસીઓને પડતી હાલાકી

₹500નો દંડ ભરી રિઝર્વેશન કોચમાં ઘૂસે છે જનરલ મુસાફરો, કન્ફર્મ સીટના પ્રવાસીઓને પડતી હાલાકી
તસવીર: Google
આ સમાચાર સાંભળો

દિવાળી હોય, હોળી હોય, છઠ પૂજા હોય કે ઉનાળુ વેકેશન, તહેવારો અને રજાઓના દિવસોમાં રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભીડ અને ટ્રેનમાં જગ્યા મેળવવા માટેની ખેંચતાણ હવે સામાન્ય બની ગઈ છે. જોકે, આ ભીડ વચ્ચે રિઝર્વેશન કરાવીને મુસાફરી કરતા મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા અંતરની અનેક ટ્રેનોમાં જનરલ ટિકિટ લઈને મુસાફરી કરતા મુસાફરો રિઝર્વેશન કોચમાં ઘૂસી જતા હોવાના કારણે બે મહિના અગાઉથી બેઠક બુક કરાવનારા મુસાફરોને પોતાની જ સીટ મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે.

ગાંધીધામથી હાવડા, ગાંધીધામથી કામાખ્યા, ઓખા-અરનાકુલમ, સાબરમતીથી ગોરખપુર અને સાબરમતીથી વારાણસી સહિતની લાંબા અંતરની ટ્રેનોમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ તરફથી ગુજરાતમાં નોકરી-ધંધા માટે આવેલા શ્રમિકો મોટી સંખ્યામાં વતન તરફ મુસાફરી કરે છે. ઘણા મુસાફરો અગાઉથી આયોજન કરવાને બદલે સામાન્ય ટિકિટ ખરીદીને ટ્રેનના કોઈપણ કોચમાં બેસી જતા હોવાનો આક્ષેપ છે. ગાંધીધામ, મોરબી, સામખિયાળી અને સુરેન્દ્રનગર જેવા સ્ટેશનો પરથી જ આવી ભીડ શરૂ થઈ જાય છે. પરિણામે અમદાવાદ, નડિયાદ, વડોદરા અને છાયાપુરીથી રિઝર્વેશન કરાવીને ચઢતા મુસાફરોને પોતાની સીટ પર અન્ય લોકો બેઠેલા જોવા મળે છે.

જાહેરાત

મુસાફરોના જણાવ્યા મુજબ, ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા મર્યાદિત છે, જ્યારે રિઝર્વેશન કોચમાં મોટી સંખ્યામાં સામાન્ય ટિકિટ ધરાવતા મુસાફરો પ્રવેશી જાય છે. આ મામલે ટિકિટ ચેકર દ્વારા દંડની પહોંચ બનાવી આપવામાં આવે છે. મુસાફરોનો સવાલ છે કે, દંડની રકમ ભર્યા બાદ કોઈ પણ મુસાફર રિઝર્વેશન કોચમાં બેસી જાય તો અગાઉથી કાયદેસર બુકિંગ કરાવનારા મુસાફરોની સુવિધા અને અધિકારનું શું?

મુસાફરોની માંગ છે કે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માત્ર આશ્વાસનો આપવાને બદલે તહેવારો અને વેકેશન દરમિયાન વધારાના જનરલ કોચની વ્યવસ્થા કરે તથા રિઝર્વેશન કોચમાં અનધિકૃત પ્રવેશ અટકાવવા કડક દેખરેખ રાખે, જેથી અગાઉથી ટિકિટ બુક કરાવનારા મુસાફરોને પોતાની સીટ પર શાંતિથી મુસાફરી કરવાનો અધિકાર મળી શકે.

પાંચસો રૂપિયાની પહોંચથી જનરલના મુસાફરો બની જાય છે 'બાદશાહ'!

વડોદરાના પ્રતાપનગર સર્કલ પાસે આવેલા લકી એપાર્ટમેન્ટના રહીશ અને રેલવે મુસાફર હસમુખ પાઠકે પોતાના વારંવારના અનુભવ અંગે જણાવ્યું હતું કે, જનરલ ટિકિટ લઈને મુસાફરી કરતા કેટલાક મુસાફરો ગમે તે કોચમાં બેસી જાય છે. ટ્રેન ઉપડ્યા બાદ ટિકિટ ચેકર તેમની પાસેથી પાંચસો રૂપિયા દંડ વસૂલી પહોંચ આપી દે છે. આ રીતે દંડની પહોંચ મળ્યા બાદ તેઓ રિઝર્વેશન કોચમાં જ મુસાફરી કરતા રહે છે. જેના કારણે અગાઉથી રિઝર્વેશન કરાવનારા મુસાફરોને ભારે મુશ્કેલી પડે છે.

એક સીટ પર આઠથી દસ મુસાફરો, વોશરૂમ જવું પણ મુશ્કેલ!

અમદાવાદ, નડિયાદ, વડોદરા કે છાયાપુરી સ્ટેશન પરથી રિઝર્વેશન કોચમાં ચઢતા મુસાફરો માટે પોતાની સીટ સુધી પહોંચવું પણ મુશ્કેલ બની જાય છે. એક સીટ પર આઠથી દસ મુસાફરો બેઠેલા હોય છે અને તેમનો સામાન પણ કોચના પેસેજમાં પડેલો હોય છે. પરિણામે પેસેજમાંથી પસાર થવાની જગ્યા રહેતી નથી. વોશરૂમ સુધી જવામાં પણ મુશ્કેલી પડે છે. રિઝર્વેશન કરાવ્યા છતાં મુસાફરોને જનરલ કોચ જેવી ભીડમાં મુસાફરી કરવાની નોબત આવે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત