અમદાવાદના મેટ્રો કોન્ટ્રાક્ટર સાથે રૂ. 3.12 કરોડની છેતરપિંડી, 13 વર્ષથી રૂ. 45 કરોડની બાકી વસૂલવાની આશામાં ફસાયા

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં બાંધકામ સામગ્રી સપ્લાય કરનારા એક કોન્ટ્રાક્ટર સાથે રૂ. 3.12 કરોડની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરકારી મંત્રાલયોમાં ઊંચા સંપર્કો હોવાનો દાવો કરીને એક શખ્સે રૂ. 45 કરોડની બાકી રકમ અપાવવાની લાલચ આપી કોન્ટ્રાક્ટર પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હતા. આરોપીએ શહેરી વિકાસ મંત્રાલય, વડાપ્રધાન કાર્યાલય (PMO), ગૃહ મંત્રાલય અને નાણાં મંત્રાલયના નામે નકલી સરકારી દસ્તાવેજો અને ટ્રેઝરી ચેક પણ આપ્યા હતા. દિલ્હી પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ આરોપીની મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરી છે.
13 વર્ષથી બાકી નાણાંની રાહ જોઈ રહ્યા હતા
મળતી માહિતી મુજબ, અમદાવાદના માઇનિંગ અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર ભૂપેન્દ્ર સિંઘની 2017માં કુશલ સમીર મહેતા નામના શખ્સ સાથે ઓળખાણ થઈ હતી. ભૂપેન્દ્ર સિંઘની 23 પેઢીઓએ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ માટે રેતી, કપચી, પથ્થર અને પથ્થરનો પાવડર સપ્લાય કર્યો હતો. જોકે, લાંબા સમયથી તેમની આશરે રૂ. 45 કરોડની ચુકવણી બાકી હતી. આ બાકી નાણાં મેળવવા માટે તેઓ વર્ષોથી પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન મહેતાએ દિલ્હીના સરકારી મંત્રાલયોમાં પોતાના સંપર્કો હોવાનો દાવો કર્યો હતો અને બાકી ચુકવણી ઝડપથી કરાવી આપવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં તેણે કામ કરાવવા માટે કમિશનના નામે રૂ. 1.20 કરોડની માગણી કરી હતી. બાદમાં ફરિયાદી પાસેથી અલગ-અલગ બહાનાં હેઠળ રૂ. 3.12 કરોડ પડાવી લીધા હતા.
નકલી સરકારી પત્રો અને 23 ટ્રેઝરી ચેક આપ્યા
આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે વર્ષ 2025માં શહેરી વિકાસ મંત્રાલય (MoUD) તરફથી રૂ. 45 કરોડની ચુકવણી મંજૂર થઈ હોવાનો નકલી પત્ર આપ્યો હતો. આ સાથે સરકારી તિજોરીના 23 ચેક પણ આપ્યા હતા. ઉપરાંત, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની નકલી રસીદ આપીને મંત્રાલયના ખાતામાંથી નાણાં ચૂકવાઈ રહ્યા હોવાનો દેખાવ કર્યો હતો. જોકે, તપાસ કરતાં તમામ દસ્તાવેજો અને ચેક નકલી હોવાનું સામે આવ્યું હતું. છેતરપિંડીનો ખ્યાલ આવતાં ભૂપેન્દ્ર સિંઘે પોલીસનો સંપર્ક કર્યો હતો.
લાંચ અને મોંઘી હોટેલના નામે પણ વસૂલ્યા રૂપિયા
પોલીસ ફરિયાદ મુજબ, આરોપી મહેતાએ શહેરી વિકાસ મંત્રાલયના સેક્રેટરીને લાંચ આપવા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસમાંથી ક્લીન ચિટ અપાવવા અને સરકારી અધિકારીઓ સાથે બેઠકો ગોઠવવાના બહાને સતત નાણાં માગ્યા હતા. આ ઉપરાંત ફાઇવ સ્ટાર હોટેલમાં રોકાણ, મોંઘા ભોજન અને હવાઈ ટિકિટના ખર્ચના નામે પણ લાખો રૂપિયા વસૂલ્યા હતા. રાજકીય નેતાઓને ભેટ આપવાના બહાને સોનાના ચાર બિસ્કિટ પણ લીધા હોવાનો આરોપ છે.
અન્ય કંપનીઓને પણ બનાવી હતી નિશાન
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અન્ય બે કંપનીઓને પણ સંરક્ષણ મંત્રાલય તરફથી પ્રોટીન બિસ્કિટ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી હતી. આ કંપનીઓ પાસેથી પણ લાખો રૂપિયા પડાવીને રૂ. 11 કરોડ અને રૂ. 7 કરોડના નકલી ટ્રેઝરી ચેક આપ્યા હતા. મુંબઈમાં જન્મેલા અને મેનેજમેન્ટની ડિગ્રી ધરાવતા મહેતાએ અગાઉ ગુજરાતમાં કન્સલ્ટન્સી કંપની પણ શરૂ કરી હતી, પરંતુ તેમાં સફળતા મળી નહોતી. ત્યારબાદ તેણે દિલ્હીમાં સરકારી કોન્ટ્રાક્ટ મેળવવાના પ્રયાસો કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, સરકારી પ્રક્રિયાઓની જાણકારીનો ઉપયોગ કરીને તે લોકોને પોતાના ઊંચા સરકારી સંપર્કો હોવાનો ભરોસો અપાવતો હતો. દિલ્હીના વસંત કુંજ જેવા પોશ વિસ્તારમાં મોંઘો ફ્લેટ ભાડે રાખીને પણ તે પોતાની વગનો દેખાવ કરતો હતો.
બોરીવલી સ્ટેશન પરથી આરોપીની ધરપકડ
પોતાની સામે ધરપકડની શક્યતા જણાતાં આરોપી વર્ષ 2023માં દિલ્હી છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસની EOW ટીમને માહિતી મળી હતી કે તે ગુજરાતમાં છે અને ટ્રેન મારફતે મુંબઈ જઈ રહ્યો છે. આ માહિતીના આધારે 1 ઓક્ટોબરના રોજ પોલીસે મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી તેની ધરપકડ કરી હતી. હાલ પોલીસ આરોપી અન્ય કેટલાં નાણાકીય કૌભાંડોમાં સામેલ છે તેની તપાસ કરી રહી છે.








