Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Dog Funeral Like Humans, 600 cremations in 9 months in Ahmedabad

માણસોની જેમ શ્વાનની પણ અંતિમવિધિ, અમદાવાદમાં 9 મહિનામાં 600 અગ્નિસંસ્કાર

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
માણસોની જેમ શ્વાનની પણ અંતિમવિધિ, અમદાવાદમાં 9 મહિનામાં 600 અગ્નિસંસ્કાર
સોર્સ : gstv

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા ડોગ ક્રેમેટોરિયમમાં છેલ્લા 9 મહિનામાં 600 પાલતુ શ્વાન-બિલાડી અને રખડતા શ્વાનના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. પોતાના પરિવારના સભ્યની જેમ ઉછેરેલા પશુના મૃત્યુ બાદ લોકો તેને સન્માનજનક રીતે અંતિમ વિદાય આપવા અહીં આવે છે. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ રાજકોટ, સુરત, ભાવનગર, મહેસાણા સહિતના શહેરો તેમજ જયપુર અને ઉદયપુરથી પણ લોકો પોતાના પાલતુની અંતિમક્રિયા માટે અહીં પહોંચી રહ્યા છે.

App Store

અંતિમક્રિયા માટે પણ વેઈટિંગ, એપોઈન્ટમેન્ટ લેવી પડે છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાન્યુઆરીમાં બહેરામપુરા વિસ્તારમાં રાજ્યનું પ્રથમ ડોગ ક્રેમેટોરિયમ શરૂ કરવામાં આવ્યું હતું. અહીં છેલ્લા નવ મહિનામાં કુલ 600 પશુઓના અગ્નિ સંસ્કાર થયા છે. જેમાં 547 પાલતુ શ્વાન અને બિલાડી તેમજ 53 રખડતા શ્વાનનો સમાવેશ થાય છે. અંતિમક્રિયા માટેની વધતી સંખ્યાને કારણે હવે અહીં વેઈટિંગની સ્થિતિ પણ જોવા મળે છે અને પેટ ઓનર્સને અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી પડે છે.

રાજકોટ, સુરત, ભાવનગર અને મહેસાણા ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ લોકો પોતાના વ્હાલસોયા શ્વાનને અંતિમ વિદાય આપવા અમદાવાદ આવે છે. એટલું જ નહીં, જયપુર અને ઉદયપુરથી પણ લોકો 8થી 10 કલાકની મુસાફરી કરીને અહીં પહોંચે છે. કેટલીક વખત એક જ દિવસમાં પાંચથી સાત શ્વાનની અંતિમક્રિયા માટે ફોન આવતા હોવાથી વ્યવસ્થા મુજબ સમય ફાળવવામાં આવે છે.

માણસોની જેમ જ શ્વાનની પણ વિધિપૂર્વક અંતિમક્રિયા

પાલતુ શ્વાનને પરિવારનો હિસ્સો માનતા લોકો અંતિમ વિદાયમાં પણ માનવીય રીત-રિવાજોનું પાલન કરે છે. અંતિમક્રિયા પહેલાં શ્વાનને નવડાવવામાં આવે છે. ત્યારબાદ શરીર પર ઘી લગાવી ફૂલ ચઢાવવામાં આવે છે અને કંકુ છાંટીને અંતિમ વિદાય આપવામાં આવે છે. એક શ્વાનની સંપૂર્ણ અંતિમક્રિયામાં અંદાજે ત્રણ કલાક જેટલો સમય લાગે છે.

હાલનું ડોગ ક્રેમેટોરિયમ આશરે રૂ.30 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. પશુઓની અંતિમક્રિયા માટે વધતી માગને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે શહેરમાં વધુ બે ડોગ ક્રેમેટોરિયમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે આશરે રૂ.60 લાખનો ખર્ચ કરવામાં આવશે. એક ક્રેમેટોરિયમ વસ્ત્રાલમાં અને બીજું પશ્ચિમ વિસ્તારમાં રિંગ રોડ નજીક બનાવવાની યોજના છે.

સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂતના જણાવ્યા મુજબ, હાલનું ડોગ સ્મશાન રૂ.30 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અંતિમ સંસ્કાર બાદ અસ્થિઓ પણ સાચવી રાખવામાં આવે છે

શ્વાનની અંતિમક્રિયા માત્ર અગ્નિ સંસ્કાર સુધી સીમિત રહેતી નથી. અનેક પેટ ઓનર્સ માટે અસ્થિ વિસર્જન પણ અંતિમ વિધિનો મહત્વનો ભાગ છે. અગ્નિ સંસ્કાર બાદ શ્વાન કે બિલાડીની અસ્થિઓ એક કુંભમાં ભરી તેના પર લાલ કપડું બાંધી નામ લખીને પરિવારને સોંપવામાં આવે છે.

ત્યારબાદ પેટ ઓનર્સ પોતાની માન્યતા અને પરંપરા પ્રમાણે અસ્થિકુંભને નદીમાં પધરાવી અંતિમ વિધિ પૂર્ણ કરે છે. થલતેજના એક યુવક પોતાના શ્વાનની અસ્થિ લઈને હરિદ્વાર ગયા હતા. જ્યારે અન્ય એક મહિલાએ પોતાના શ્વાનના અસ્થિકુંભને વતન કલકત્તા લઈ જઈ વિસર્જન કર્યું હતું. કેટલાક પેટ ઓનર્સ અસ્થિ વિસર્જન માટે ચાણોદ પણ જાય છે.

આ આંકડા દર્શાવે છે કે પાલતુ પશુઓ માત્ર ઘરના પ્રાણી નહીં, પરંતુ અનેક પરિવારો માટે પરિવારના સભ્ય બની ગયા છે. તેમના મૃત્યુ બાદ પણ તેમને સન્માન અને લાગણી સાથે અંતિમ વિદાય આપવાની પરંપરા હવે શહેરમાં વધુ જોવા મળી રહી છે.