'ફિલ્મની જેમ પૈસા પણ અતા પતા લાપતા છે', ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ સાથે સંકળાયેલા એક જૂના મામલામાં અભિનેતા રાજપાલ યાદવને ભારે ફટકાર લગાવી છે. કોર્ટે તેને 13 ઓક્ટોબર સુધીમાં ફરિયાદીને ચૂકવવાની રકમમાંથી 2 કરોડ રૂપિયા જમા કરવાનો સખત નિર્દેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કરી દીધું છે કે આ ચૂકવણી થયા પછી જ હાઇકોર્ટના આદેશ વિરુદ્ધની તેમની અરજી પર વિચાર કરવામાં આવશે.
જણાવી દઈએ કે સુનાવણી દરમિયાન રાજપાલ યાદવ પોતે કોર્ટમાં હાજર હતા. તેની પાસે 1.15 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) હતો, જે તેમણે કોર્ટમાં રજૂ કર્યો હતો. તો બીજી તરફ, બાકી બચેલા 85 લાખ રૂપિયા તેની પ્રોપર્ટી ખરીદનારા એક ખરીદદાર દ્વારા 13 ઓક્ટોબર સુધીમાં ચૂકવવાના છે, જે તેમની સાથે કોર્ટમાં હાજર હતો.
સુપ્રીમ કોર્ટની સખત ટિપ્પણી
આવા સમયે સુનાવણી દરમિયાન અદાલતે રાજપાલ યાદવના વલણ પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સર્વોચ્ચ અદાલતે ચેતવણી આપતા કહ્યું કે જો જરૂર પડી તો તેમની સજા વધારી પણ શકાય છે. કોર્ટે કહ્યું કે વારંવાર સમય માત્ર એટલા માટે આપવામાં આવી રહ્યો છે જેથી ફરિયાદીને તેના પૈસા મળી શકે. કોર્ટે સખત ટિપ્પણી કરતા કહ્યું કે કાયદાનો આ રીતે ઉપયોગ ન થવો જોઈએ.
CJI અને રાજપાલ યાદવ વચ્ચે રસપ્રદ વાતચીત
સુનાવણી પછી મુખ્ય ન્યાયાધીશ (CJI) અને અભિનેતા રાજપાલ યાદવ વચ્ચે એક હળવી પણ કટાક્ષભરી વાતચીત થઈ હતી. રાજપાલ યાદવે પોતાની ફિલ્મ 'અતા પતા લાપતા'થી થયેલા ભારે આર્થિક નુકસાનનો ઉલ્લેખ કર્યો હતો.
રાજપાલ યાદવે કહ્યું કે આ ફિલ્મના કારણે તેમને 200-250 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને પ્રોડ્યુસર પણ બરબાદ થઈ ગયા હતા. આના પર CJI એ ચુટકી લેતા કહ્યું કે જેવી તમારી મૂવી અતા પતા લાપતા છે, તેવી જ રીતે તમારા પૈસા પણ 'અતા પતા લાપતા' થઈ ગયા છે.
જ્યારે રાજપાલ યાદવે હાથ જોડીને કહ્યું- હું પ્રણામ કરું છું...
CJIની આ વાત પર રાજપાલ યાદવે હાથ જોડીને કહ્યું કે પ્રણામ કરું છું સર. આ પછી CJI એ મજાકીયા અંદાજમાં તેમને સલાહ આપી કે તેઓ એક સારી ફિલ્મ બનાવે અને લોકોનું મનોરંજન કરે અને એ પણ ઉમેર્યું કે સુપ્રીમ કોર્ટમા દલીલ કરતા વકીલો પણ સારા કલાકાર છે, તમે તેમને પોતાની ફિલ્મોમાં કાસ્ટ કરી શકો છો.
લોન વિવાદ પર રાજપાલ યાદવની સફાઈ
કોર્ટ પરિસરમાં લોનના વિવાદ પર સફાઈ આપતા રાજપાલ યાદવે કહ્યું કે ફિલ્મોના નિર્માણ માટે ક્યારેય બેંક કે બજારમાંથી આ રીતની લોન લેવામાં આવતી નથી. તેમણે કહ્યું કે લોન ઘર બનાવવા કે જમીન ખરીદવા માટે લેવામાં આવે છે, ફિલ્મો બનાવવા માટે નહીં. આ કાં તો એક પેકેજ ડીલ હોય છે અથવા તો ઇન્વેસ્ટમેન્ટ. રાજપાલ યાદવ પોતે પોતાના દમ પર સો ફિલ્મો કરી રહ્યા છે, તો તેમને ફિલ્મ બનાવવા માટે લોનની શું જરૂર પડે?
કોર્ટની સખતી અને નિર્દેશો પર પ્રતિક્રિયા આપતા અભિનેતાએ કહ્યું કે મને મારા દેશ, સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો અને અત્યંત સન્માન છે. જે પણ ફેંસલો આવશે, જ્યાંથી પણ આવશે, તે આપણને સૌને પૂરેપૂરો સ્વીકાર્ય હશે.
હવે સમજો શું છે પૂરો વિવાદ?
નોંધનીય છે કે આ પૂરો મામલો વર્ષ 2010નો છે, જ્યારે ફિલ્મ 'અતા પતા લાપતા' માટે 'મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ' પાસેથી રાજપાલ યાદવે કથિત રીતે લોન લીધી હતી.
લોન ચૂકવવા માટે આપવામાં આવેલા 1.05 કરોડ રૂપિયાના 7 ચેક બાઉન્સ થઈ ગયા હતા, જે પછી આ કાનૂની વિવાદ શરૂ થયો હતો. રાજપાલ યાદવનું કહેવું છે કે આ વિવાદ 5 કરોડ રૂપિયાની દેવાદારી સાથે જોડાયેલો છે, જ્યારે ફિલ્મના ફ્લોપ થવાથી તેમને ખૂબ મોટો આર્થિક આંચકો લાગ્યો હતો. હાલમાં સુપ્રીમ કોર્ટે તેમને 13 ઓક્ટોબર સુધી 2 કરોડ રૂપિયા ચૂકવવાની સખત મુહલત આપી છે.

