Microsoft ઠપ થતાં અમદાવાદ અને GIFT City માં ડિજિટલ 'બ્લેકઆઉટ'! લક્ઝરી હોટેલ્સમાં બુકિંગ અટક્યું, કોર્પોરેટ ઓફિસોનું કામકાજ થંભી ગયું!

વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓમાં સર્જાયેલી મોટી ટેકનિકલ ખામીને કારણે ભારતભરમાં ઈમેઈલ સર્વર અને ક્લાઉડ કામગીરી ખોરવાઈ ગઈ હતી, જેની સીધી અસરરૂપે શુક્રવારે અમદાવાદના કોર્પોરેટ એકમો, હોટેલ ઉદ્યોગ અને ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીની ઓફિસોનું રોજિંદું કામકાજ સંપૂર્ણપણે થંભી ગયું હતું.
આઉટલુક અને ટીમ્સની સેવાઓ ખોરવાઈ
ગુરુવાર (12 નવેમ્બર)થી શરૂ થયેલી અને શુક્રવાર સુધી લંબાયેલી આ ટેકનિકલ સમસ્યાને લીધે માઈક્રોસોફ્ટ આઉટલુક અને માઈક્રોસોફ્ટ 365ની અનેક મુખ્ય એપ્લિકેશનો ઠપ થઈ ગઈ હતી. આ ખામીને કારણે મોટી સંખ્યામાં પ્રોફેશનલ્સ ઈમેઈલ મોકલવા કે મેળવવામાં અસમર્થ બન્યા હતા, જ્યારે વ્યાપક ટેકનિકલ અવરોધોને લીધે કર્મચારીઓ માઈક્રોસોફ્ટ ટીમ્સ પર અગાઉથી નિર્ધારિત વીડિયો કોલ્સમાં પણ લોગ-ઈન કરી શક્યા નહોતા.
લક્ઝરી હોટેલ્સમાં ટેલિફોન હેલ્પલાઈનનો સહારો લેવો પડ્યો
આ ડિજિટલ બ્લેકઆઉટની તાત્કાલિક અસર અમદાવાદના હોસ્પિટાલિટી સેક્ટર પર સૌથી પહેલા જોવા મળી હતી. ડિજિટલ રિઝર્વેશન સિસ્ટમ અને ફ્રન્ટ-ડેસ્કનો સંપર્ક વ્યવહાર ખોરવાઈ જતાં શહેરની બે પ્રમુખ હોટેલ-હયાત રીજન્સી અમદાવાદ અને વસ્ત્રાપુર સ્થિત હયાત હોટેલ દ્વારા સોશિયલ મીડિયા પર તાત્કાલિક નોટિસ જારી કરીને મહેમાનોને જાણ કરવામાં આવી હતી કે તેમની ઈમેઈલ સેવાઓ બંધ છે. બંને હોટેલ્સે ગ્રાહકો, કોર્પોરેટ ક્લાયન્ટ્સ અને ટ્રાવેલ પાર્ટનર્સને બુકિંગ, પૂછપરછ તેમજ તાત્કાલિક જરૂરિયાતો માટે ઈમેઈલનો ઉપયોગ ટાળીને ખાસ ટેલિફોન હેલ્પલાઈનનો સંપર્ક કરવા સૂચના આપી હતી. હયાત રીજન્સી અમદાવાદે તેની સત્તાવાર એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, માઈક્રોસોફ્ટની વૈશ્વિક સેવામાં ચાલી રહેલા વિક્ષેપને કારણે અમારી ઈમેઈલ કમ્યુનિકેશન સેવા હાલ પૂરતી ઉપલબ્ધ નથી.
ગિફ્ટ સિટીની ઓફિસોમાં કામકાજને બ્રેક લાગી
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કાર્યરત અનેક કોમર્શિયલ ઓફિસોની દૈનિક કામગીરી પણ આ ખામીથી પ્રભાવિત થઈ હતી. આ ફાઈનાન્સિયલ હબમાંથી સંચાલિત થતી વિવિધ ફિનટેક કંપનીઓ, બેંકિંગ કામગીરી અને મલ્ટીનેશનલ કોર્પોરેશન્સના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs)માં ક્લાઉડ આધારિત સિસ્ટમ પર નિર્ભર ટીમોને રોજિંદા કાર્યો પાર પાડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ જ રીતે અમદાવાદના કોમર્શિયલ વિસ્તારોમાં પણ ઓફિસનો નિયમિત સંપર્ક વ્યવહાર અટકી પડ્યો હતો અને માઈક્રોસોફ્ટ ટીમ્સ તથા આઉટલુક ઈમેઈલ વાપરતા અનેક કર્મચારીઓએ મીટિંગ્સ અને ઈમેઈલ એક્સેસ ન થઈ શકવાની ફરિયાદ કરી હતી.
ભારતના અન્ય મોટા ટેક હબ પર પણ અસર
નેટવર્ક ઈન્ટેલિજન્સ કંપની સિસ્કો થાઉઝન્ડઆઈઝ (Cisco ThousandEyes) દ્વારા માઈક્રોસોફ્ટ 365ની વૈશ્વિક ઉપલબ્ધતામાં સર્જાયેલી સમસ્યાની પુષ્ટિ કરવામાં આવી હતી. કંપનીના અહેવાલ મુજબ માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ બેંગલુરુ, ચેન્નાઈ અને ઈન્દોર સહિત ભારતના અન્ય મોટા બિઝનેસ સેન્ટર્સમાં પણ આઉટલુકની સેવાઓ મોટા પાયે ખોરવાઈ હોવાનું નોંધાયું હતું.
ક્લાઉડ નિર્ભરતા સામે ઉઠ્યા સવાલો
બે દિવસ સુધી ચાલેલા આ બ્લેકઆઉટે મહત્વપૂર્ણ બિઝનેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા અને નબળાઈઓ અંગે સાયબર સિક્યોરિટી નિષ્ણાતોમાં નવી ચર્ચા જગાવી છે. બેંકિંગ, ફિનટેક, હેલ્થકેર, ઈન્શ્યોરન્સ અને એવિએશન જેવા ક્ષેત્રો-જે રિયલ-ટાઈમ ડિજિટલ કમ્યુનિકેશન અને ક્લાઉડ ડોક્યુમેન્ટેશન પર આધારિત છે-તેમને મુખ્ય સર્વર બંધ થવાથી ગંભીર કામકાજના અવરોધો નડે છે, જેનાથી વીમા દાવાઓની મંજૂરીમાં વિલંબથી લઈને એરલાઈન ટિકિટ કન્ફર્મેશન અટકી જવા સુધીનું જોખમ ઊભું થાય છે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે, આ ઘટના એક જ વેન્ડરની ક્લાઉડ ઈકોસિસ્ટમ પર વધુ પડતી નિર્ભરતાના જોખમોની ગંભીર યાદ અપાવે છે, જેના કારણે આવી ખામી સર્જાય ત્યારે કંપનીઓએ મહત્વનો ડેટા મેળવવા માટે ફાંફાં મારવા પડે છે.












