Google અને Microsoft બાદ હવે NVIDIA પર પણ ભારતીયોનો દબદબો? હુઆંગના રાજીનામા બાદ આ 3 દિગ્ગજો CEOની રેસમાં સૌથી મોટા દાવેદાર!

Google અને Microsoft બાદ હવે NVIDIA પર પણ ભારતીયોનો દબદબો? હુઆંગના રાજીનામા બાદ આ 3 દિગ્ગજો CEOની રેસમાં સૌથી મોટા દાવેદાર!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વિશ્વની દિગ્ગજ AI ચિપ નિર્માતા કંપની NVIDIA ના CEO પદેથી જેન્સન હુઆંગના રાજીનામા બાદ હવે સમગ્ર ટેક જગતની નજર એ વાત પર ટકેલી છે કે કંપનીની કમાન કોના હાથમાં જશે. કંપનીએ હાલ પૂરતા CFO કોલેટ ક્રેસને વચગાળાના CEO બનાવ્યા છે, પરંતુ કાયમી CEO ની શોધ તેજ કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે Google અને Microsoft ની જેમ હવે NVIDIA ના નવા CEO બનવાની રેસમાં પણ ભારતીય મૂળના ત્રણ દિગ્ગજ ટેક લીડર્સના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે.

રેસમાં સામેલ 3 ભારતીય મૂળના દિગ્ગજો કાયમી CEO ના પદ માટે જે ત્રણ ભારતીય મૂળના નામોની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, તેમાં નીચે મુજબના દિગ્ગજો સામેલ છે:

જાહેરાત

નિકેશ અરોરા (CEO, Palo Alto Networks)
સંજય મેહરોત્રા (CEO, Micron)
થોમસ કુરિયન (CEO, Google Cloud)

નિકેશ અરોરાના નામ પર રોકાણકારોનો સૌથી વધુ ભાર

આ રેસમાં નિકેશ અરોરાનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. દિગ્ગજ વેન્ચર કેપિટલ ફર્મ Sequoia Capital ના પાર્ટનર શૉન મેગ્વાયરે સોશિયલ મીડિયા પર જેન્સન હુઆંગના ઉત્તરાધિકારી તરીકે નિકેશ અરોરાની જોરદાર હિમાયત કરી છે. તેમના મતે, નિકેશ અરોરા પાસે મોટા નિર્ણયો લેવાનો, આક્રમક રીતે બિઝનેસ વધારવાનો અને ટેક ઇન્ડસ્ટ્રીમાં જરૂરી સંબંધો જાળવવાનો બહોળો અનુભવ છે, જે NVIDIA ને AI ઇકોસિસ્ટમના કેન્દ્રમાં રાખવા માટે અત્યંત જરૂરી છે.

બીજી તરફ, ભારતીય ઉદ્યોગપતિ અને સ્નેપડીલના કો-ફાઉન્ડર કુણાલ બહલે પણ નિકેશ અરોરાનું સમર્થન કર્યું છે. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે અરોરા Palo Alto Networks સાથે જોડાયા હતા ત્યારે કંપનીનું માર્કેટ કેપ અંદાજે $17 અબજ હતું, જેને તેમણે આઠ વર્ષમાં વધારીને $275 અબજ સુધી પહોંચાડી દીધું છે.

ડોનાલ્ડ ટ્રમ્પની પસંદ ટિમ કૂક, પણ શક્યતા ઓછી

આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે NVIDIA ના CEO તરીકે Apple ના પૂર્વ બોસ ટિમ કૂકની પસંદગી થવી જોઈએ. જોકે, ટિમ કૂક હજુ પણ Apple ના બોર્ડમાં છે અને એક્ઝિક્યુટિવ ચેર તરીકે કાર્યરત છે, તેથી તેઓ Apple છોડીને NVIDIA માં જોડાય તેવી શક્યતા ઘણી ઓછી માનવામાં આવી રહી છે.

અંતિમ નિર્ણય કંપનીના બોર્ડના હાથમાં

હાલ રોકાણકારો અને ટેક નિષ્ણાતો દ્વારા વિવિધ નામો પર અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ NVIDIA ના બોર્ડે હજુ સુધી કોઈપણ ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કાયમી CEO ની પસંદગી માટે કંપનીની અંદર અને બહારના યોગ્ય ઉમેદવારોની સમીક્ષા કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત