બે વર્ષથી બંધ લેન્ડલાઇનના બિલ વસૂલ્યા, BSNLને ગ્રાહક ફોરમની લપડાક

ટેલિફોન કનેક્શન લગભગ બે વર્ષથી બંધ હોવા છતાં ગ્રાહક પાસેથી એડવાન્સ બિલ વસૂલવાનું બીએસએનએલ (BSNL)ને ભારે પડ્યું છે. ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને આ મામલે ટેલિકોમ કંપનીને વ્યાજ સાથે નાણાં પરત કરવા ઉપરાંત ગ્રાહકને માનસિક ત્રાસ અને હેરાનગતિ બદલ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ, કલોલના રહેવાસી ચંદ્રકાંત પટેલ છેલ્લા 35 વર્ષથી બીએસએનએલની લેન્ડલાઇન સેવાનો ઉપયોગ કરતા હતા. તેમના પરિવારમાં 85 વર્ષીય માતા અને 63 વર્ષીય મોટા ભાઈને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી લેન્ડલાઇન કનેક્શન ચાલુ રાખવામાં આવ્યું હતું. જોકે, વર્ષ 2023 અને 2024 દરમિયાન તેમનો લેન્ડલાઇન ફોન બંધ હોવા છતાં બીએસએનએલ દ્વારા બંને વર્ષમાં એડવાન્સ ચાર્જ પેટે ₹1,772 વસૂલવામાં આવ્યા હતા. આ અંગે પટેલે કંપનીના ઓનલાઈન પોર્ટલ, ઈમેલ અને લેખિતમાં અનેક વખત ફરિયાદ કરી હતી. તેમ છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નહોતો. ઉલટું, ફરિયાદનું નિરાકરણ થઈ ગયું હોવાના ઓટોમેટેડ મેસેજ મોકલી દેવામાં આવતા હતા.
કેબલને નુકસાન થયું હોવાનો BSNLનો બચાવ
ગ્રાહક કમિશનમાં સુનાવણી દરમિયાન બીએસએનએલે સ્વીકાર્યું હતું કે વિસ્તારમાં ખોદકામ અને ગટરલાઇનની કામગીરી દરમિયાન ભૂગર્ભ કોપર કેબલને નુકસાન થયું હતું. જેના કારણે લેન્ડલાઇન સેવા પુનઃસ્થાપિત કરવી શક્ય બની નહોતી. કંપનીએ દાવો કર્યો હતો કે ગ્રાહકને ફાઇબર-ટુ-ધ-હોમ (FTTH) કનેક્શનનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જોકે, તેના માટે ₹299 ઉપરાંત GST સાથેનો લઘુત્તમ વોઇસ પ્લાન લેવો જરૂરી હતો. ગ્રાહકે આ વિકલ્પ સ્વીકાર્યો નહોતો. કંપનીએ ₹1,200 પરત કરવાની ઓફર પણ કરી હતી, પરંતુ ગ્રાહકે તે નકારી કાઢી હતી.
ગ્રાહકની સંમતિ વિના સેવા બંધ કરવી ખામી સમાન
ગ્રાહક કમિશને સ્પષ્ટ કર્યું હતું કે કેબલને નુકસાન થયું હોવાના કારણસર કંપની ગ્રાહક પાસેથી એડવાન્સમાં વસૂલેલી રકમ પોતાની પાસે રાખી શકે નહીં. ગ્રાહકની સંમતિ વિના મનસ્વી રીતે સેવા બંધ કરવી પણ યોગ્ય નથી. કમિશનના જણાવ્યા અનુસાર, કોપર કેબલને નુકસાન થયું હોય તો ગ્રાહક પર વધારાનો આર્થિક બોજ નાખ્યા વિના વૈકલ્પિક કનેક્શન આપવું અથવા સેવા પુનઃસ્થાપિત કરવી એ ટેલિકોમ કંપનીની જવાબદારી છે. ખાસ કરીને વૃદ્ધ સભ્યો ધરાવતા પરિવારમાં આટલા લાંબા સમય સુધી આવશ્યક ટેલિફોન સેવા બંધ રહેવી ગંભીર બાબત છે.
BSNLને ₹7,542 ઉપરાંત વ્યાજ ચૂકવવાનો આદેશ
ગ્રાહક કમિશને બીએસએનએલની કામગીરીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ સેવામાં ખામી ગણાવી છે. આ સાથે કંપનીને નીચે મુજબ ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે:
-
ગ્રાહક પાસેથી વસૂલેલા ₹3,542 વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે પરત કરવા.
-
માનસિક ત્રાસ અને હેરાનગતિ બદલ ₹4,000 વળતર ચૂકવવું.
-
આ ઉપરાંત કેસનો ખર્ચ પણ ચૂકવવો.
આમ, બે વર્ષ સુધી બંધ રહેલા લેન્ડલાઇન કનેક્શનના બિલ વસૂલવાના મામલે ગ્રાહક કમિશનના આદેશથી બીએસએનએલને ગ્રાહકને નાણાકીય વળતર આપવું પડશે.












