PNG કનેક્શનના નામે LPG કનેક્શન સસ્પેન્ડ ન કરવા કોંગ્રેસની માંગ

અમદાવાદ સહિત રાજ્યમાં PNG ગેસ કનેક્શનને લઈને ઊભી થયેલી સ્થિતિ વચ્ચે કોંગ્રેસે LPG ગ્રાહકોના હિતમાં અવાજ ઉઠાવ્યો છે. PNG પાઈપલાઈન ઉપલબ્ધ હોય તેવા વિસ્તારોમાં LPG ગેસ કનેક્શન સસ્પેન્ડ કરવાની નીતિ સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.
કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીએ આ મામલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં જણાવાયું છે કે PNG પાઈપલાઈનના નોટિફિકેશનને કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
કોંગ્રેસનો આક્ષેપ છે કે PNG કનેક્શન ફરજિયાત લેવા માટે લોકો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, પિનકોડના આધારે LPG કનેક્શન સસ્પેન્ડ કરવાની કાર્યવાહીથી ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે.
લોકો પોતાની જરૂરિયાત અને સુવિધા પ્રમાણે PNG અથવા LPG ગેસનો ઉપયોગ કરી શકે તેવો વિકલ્પ મળવો જોઈએ. કયા પ્રકારનો ગેસ વાપરવો તેનો નિર્ણય ગ્રાહકો પર છોડવાની પણ કોંગ્રેસે માંગ કરી છે.
કોંગ્રેસે કંપનીઓની મનમાની સામે ગ્રાહકોને રક્ષણ આપવા અને PNG કનેક્શનના આધારે LPG કનેક્શન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અટકાવવા સરકાર સમક્ષ અપીલ કરી છે.










