અમદાવાદમાં બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, યુવતી સહિત ત્રણની ધરપકડ, નિઃસંતાન દંપતીને વેચવાનો હતો પ્લાન

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે બાળક તસ્કરીના કથિત નેટવર્કનો પર્દાફાશ કરી એક યુવતી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં જીનલ અને પ્રવિણ યાદવ સહિત ત્રણ લોકોનો સમાવેશ થાય છે.
બાળક નિઃસંતાન દંપતીને વેચવાનો હતો
સાબરમતી વિસ્તારમાંથી એક માસના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાળકનું અપહરણ કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને સતત 14 કલાકની કામગીરી બાદ બાળકને શોધી કાઢી તેના માતા-પિતાને સોંપ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે જીનલ, પ્રવિણ યાદવ સહિત ત્રણેય આરોપીઓને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપીઓ બાળકોનું અપહરણ કરીને તેમને નિઃસંતાન દંપતીને વેચવાની કથિત યોજના ધરાવતા હતા.
હાલ પોલીસે આરોપીઓના નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ કથિત બાળ તસ્કરીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને અગાઉ પણ આવા ગુનાઓ આચરવામાં આવ્યા છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.
શું હતો સમગ્ર મામલો?
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાંથી અપહરણ થયેલું એક માસનું અબુધ બાળક પોલીસની ત્વરિત સતર્કતાના કારણે ગણતરીના ૧૪ કલાકમાં જ ઘટનાસ્થળેથી માત્ર એક કિલોમીટર દૂરથી હેમખેમ મળી આવ્યું હતું. બાળકની સલામત વાપસીથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ અપહરણ કરનાર મહિલા હજુ પણ પોલીસ પકડથી દૂર હતા. જેથી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે મહિલા આરોપીની શોધખોળ તેજ કરી હતી.

