36 હજારની લાંચ લેતા ઝડપાયેલા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે નોકરીમાંથી ટર્મિનેટ, AMCની કડક કાર્યવાહી

અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર દ્વારા લાંચ લેવાના કેસમાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને નોકરીમાંથી ટર્મિનેટ કર્યા છે. અમિત ડોંગરેને 36 હજાર રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે ACB દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. લાંચ લેવાની આ ઘટના બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ અધિકારી દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની પ્રવૃત્તિને ગંભીરતાથી લઈને હવે કડક પગલું ભર્યું છે. AMC દ્વારા અમિત ડોંગરેને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર આનંદરાવ ડોંગરે અને તેમના વચેટિયા ભાવસિંહ પ્રતાપભાઈ ઝાલાને રૂપિયા 36 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે વડોદરા એસીબીની ટીમે મેમનગરના વિજય ચાર રસ્તા પાસે સફળ છટકું ગોઠવીને ફાયર વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો.
અમદાવાદના ચીફ ફાયર ઓફિસર 36000ની લાંચ લેતા ઝડપાયા
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસના ફરિયાદી ફાયર સેફટી ઓફિસર (FSO) તરીકે વ્યવસાય કરે છે. તેઓએ અમદાવાદ શહેરની છ જેટલી બિલ્ડિંગોની ફાયર NOC મંજૂરી માટે ગુજરાત સરકારના પોર્ટલ પર અરજી કરી હતી. આ NOC મંજૂર કરવાના અવેજ પેટે આરોપી ભાવસિંહ ઝાલાએ એક NOC દીઠ રૂપિયા 6 હજાર લેખે કુલ 6 બિલ્ડીંગના 36 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ ન આપવા માંગતા જાગૃત નાગરિકે વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બંને સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે વડોદરા શહેર એસીબીના પીઆઈએ બે સરકારી પંચોની હાજરીમાં વિજય ચાર રસ્તા પાસેના યશ એક્વા કોમ્પ્લેક્ષ નજીક ટ્રેપનું આયોજન કર્યું હતું. યોજના મુજબ, આરોપી ભાવસિંહ ઝાલા ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 36 હજારની લાંચ સ્વીકારતા જ રંગે હાથે પકડાઈ ગયો હતો. ત્યારબાદ ઝાલાએ ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર ડોંગરેને ફોન કરતા, ફોન પર ડોંગરેએ પણ આ લાંચની રકમ સ્વીકારવા અંગે સંમતિ આપી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. એસીબીએ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

