અમદાવાદમાં ઓર્ગેનિક શાકભાજીનો વધ્યો ક્રેઝ! આ સ્થળોએ ભરાય છે ખેડૂત બજાર

શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ બજારોમાં લીલા શાકભાજી અને મોસમી ફળોની વિપુલ પ્રમાણમાં આવક શરૂ થઈ જાય છે. જો કે, હવે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી ઉગાડેલા શાકભાજી પ્રત્યે શહેરીજનોમાં જાગૃતિ આવી છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન વર્ગ આવા શાકભાજી ટાળીને હવે ઓર્ગેનિક (પ્રાકૃતિક) શાકભાજી અને ફળો તરફ વળ્યો છે. સામાન્ય બજારની તુલનામાં ઓર્ગેનિક ઉત્પાદનોના ભાવ વધુ હોવા છતાં, જેમને પરવડે છે તે લોકો સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી તેની ખરીદી કરતા થયા છે.
અમદાવાદમાં ક્યાં ભરાય છે ખેડૂતોના સીધા બજાર?
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો પોતાના ખેતરના તાજા શાકભાજી લઈને આવે છે અને વચેટિયાઓ વિના ગ્રાહકોને સીધું વેચાણ કરે છે:
શહેરમાં ગુજરાત વિદ્યાપીઠ, સોલા ભાગવત વિદ્યાપીઠ તેમજ ચાંદલોડિયા ગામ સહિતના વિસ્તારોમાં આવા વિશાળ બજારો ભરાય છે.
વચેટિયાઓ ન હોવાથી ખેડૂતોને પૂરતું વળતર મળે છે અને ગ્રાહકોને તાજો તેમજ વિશ્વસનીય માલ સીધો મળી રહે છે. શિયાળામાં આ માર્કેટમાં ખરીદી માટે લોકોની મોટી ભીડ જોવા મળે છે.
ઓર્ગેનિક અને રાસાયણિક શાકભાજી વચ્ચે શું છે તફાવત?
ઓર્ગેનિક શાકભાજીમાં છાણિયું ખાતર, જીવામૃત અને કુદરતી જૈવિક નિયંત્રણનો ઉપયોગ થાય છે. જ્યારે સામાન્ય શાકભાજીમાં રાસાયણિક ખાતર (યુરિયા/ડીએપી) અને સિન્થેટિક જંતુનાશકો વપરાય છે.
ઓર્ગેનિક શાકભાજી કદમાં નાના-મોટા કે થોડા અસમાન હોઈ શકે, પણ કુદરતી સુગંધ-સ્વાદ વધુ હોય છે. જ્યારે સામાન્ય શાકભાજી એકસરખા, વધુ ચમકદાર અને કદમાં મોટા દેખાય છે.
ભાવ અને ઉપલબ્ધતાની વાત કરીએ તો, ઓર્ગેનિક શાકભાજીનો ઉત્પાદન ખર્ચ વધુ અને મહેનત વધુ હોવાથી ભાવ તુલનાત્મક રીતે ઊંચા હોય છે. જ્યારે સામાન્ય શાકભાજીનું મોટા પાયે ઉત્પાદન થતું હોવાથી પ્રમાણમાં સસ્તા અને દરેક જગ્યાએ મળે છે.
ઓર્ગેનિક શાકભાજીના ફાયદા અને મર્યાદા
ફાયદા: જંતુનાશક દવાઓના અવશેષો શરીરમાં જવાનું જોખમ ઘટે છે, જમીનની ફળદ્રુપતા જળવાય છે અને કુદરતી રીતે પાકેલા હોવાથી સ્વાદ તથા તાજગી સારી રહે છે.
મર્યાદા (ગેરફાયદા): ખેડૂતોને મહેનત વધુ અને શરૂઆતમાં ઉત્પાદન ઓછું મળતું હોવાથી તેના ભાવ સામાન્ય વર્ગને મોંઘા પડી શકે છે. ઉપરાંત, દરેક જગ્યાએ અસલી ઓર્ગેનિકની ઓળખ કરવી ગ્રાહકો માટે પડકારરૂપ બને છે. તેથી ખેડૂત બજાર કે પ્રમાણિત સ્ત્રોત પર ભરોસો કરવો જરૂરી છે.
શિયાળામાં શાકભાજી કેમ વધુ આવે છે?
શિયાળાનું ઠંડું અને સૂકું વાતાવરણ પાંદડાવાળા શાકભાજી (મેથી, પાલક, તાંદળજો, કોથમીર) તેમજ મૂળા, ગાજર, વટાણા, તુવેર અને ફ્લાવર જેવા પાકો માટે સૌથી અનુકૂળ હોય છે. આ ઋતુમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ ઉનાળા-ચોમાસાની તુલનામાં ઓછો રહે છે. જેથી શિયાળામાં શાકભાજીની આવક વધુ જોવા મળે છે.
શિયાળામાં શાકભાજી કેમ વધુ ખાવા જોઈએ?
શિયાળામાં શરીરની પાચનશક્તિ (જઠરાગ્નિ) સતેજ હોય છે, તેથી લીલા શાકભાજી અને કંદમૂળ સહેલાઈથી પચે છે. તેમાં રહેલા ફાઈબર, વિટામિન-A, C, K, આયર્ન અને એન્ટી-ઓક્સિડન્ટ્સ શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને શરીરને પોષણ આપવામાં મદદરૂપ થાય છે.










