‘લવારી શો’ની બિભત્સ ક્લિપ સામે કરશનબાપુ ભાદરકાનો આક્રોશ, કહ્યું—‘આ કલા જગતની કતલ છે’

‘લવારી શો’ની વાયરલ બિભત્સ ક્લિપને લઈને હવે રાજકીય વિરોધ પણ સામે આવ્યો છે. કોંગ્રેસના નેતા કરશનબાપુ ભાદરકાએ આ મામલે આક્રોશ વ્યક્ત કરતા શોના કન્ટેન્ટને કલા જગતની કતલ ગણાવ્યું છે. તેમણે ગુજરાતની સંસ્કૃતિ અને ભાષાના ગૌરવને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે.
કરશનબાપુ ભાદરકાએ કહ્યું કે, આ પ્રકારનું લખાણ અને અભિનય કરનારાઓએ યાદ રાખવું જોઈએ કે આ કવિ કાગ, ઝવેરચંદ મેઘાણી અને બાપુ-સરદારનું ગુજરાત છે. તેમણે આ ઘટનાને સંસ્કૃતિ અને સમાજ પરનો આંતકવાદી હુમલો ગણાવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, દીકરી, બાપ, માતા અને પરિવારના સભ્યો સાથે બેસીને જોવાતા શોમાં સામાજિક ઝેર પીરસવાનું કામ થયું છે. આ મામલે ગુજરાત સરકાર અને કહેવાતા સંગઠનો શું કાર્યવાહી કરે છે તેના પરથી ગુજરાતી કલા, સંસ્કૃતિ અને ભાષા પ્રત્યેનો તેમનો પ્રેમ નક્કી થશે.
કરશનબાપુ ભાદરકાએ આક્ષેપ કર્યો કે, આ લોકોએ કલાને શરમાવવાનો ધંધો કર્યો છે અને આવી હરકતો રાક્ષસો પણ ક્યારેય કરતા નથી .






