ચુડાના જોબાળા ગામે યુવકની હત્યા, નાગનેશ રોડ પર ઝાડી-ઝાંખરામાંથી મળ્યો મૃતદેહ

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જોબાળા ગામે યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રફુલભાઈ રાજાભાઈ વાઘેલાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં નાગનેશ રોડ પરથી મળી આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ યુવકની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ ઝાડી-ઝાંખરામાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
યુવકના શરીર પર ઘાતક હથિયારના નિશાન
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ચુડા પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સ્થળ પર તપાસ દરમિયાન યુવકના શરીર પર ઘાતક હથિયારના નિશાન મળી આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસનો ધમધમાટ
હત્યા પાછળનું કારણ શું હતું અને આ ગુનામાં કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.ચુડા પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસવા સહિત અન્ય સંભવિત પાસાઓ પર તપાસ શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા અને હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.










