Video: કાલુપુર રેલવે સ્ટેશન પ્રોજેક્ટ માટે રસ્તો પહોળો કરવા ૨૦ કોમર્શિયલ એકમો પર બુલડોઝર

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાઓ પહોળા કરવા માટે AMC દ્વારા સારંગપુર સર્કલ પાસે મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું. ૪૦ થી ૫૦ વર્ષ જૂની ભાડાપટ્ટાની જગ્યા પરના ૧૭ થી ૨૦ કોમર્શિયલ એકમો દૂર કરવાની કામગીરી દરમિયાન ભારે વિરોધ અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જુઓ આ ખાસ અહેવાલ...
અમદાવાદના સારંગપુર સર્કલ પાસે વહેલી સવારથી જ AMCની ટીમ અને પોલીસનો મોટો કાફલો બુલડોઝર સાથે ત્રાટક્યો હતો. કાલુપુર રેલવે સ્ટેશનના નવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાઓ પહોળા કરવા માટે અહીં આવેલ ૨૦ જેટલા કોમર્શિયલ એકમો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ.તંત્રની આ કાર્યવાહી સામે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો. એક તબક્કે સ્થાનિક મહિલાઓ JCB મશીન સામે બેસી જઈ સૂત્રોચ્ચાર કરવા લાગતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ વણસતી જોઈ પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓની અટકાયત કરી હતી.. આખરે ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે સામાન હટાવી દુકાનો ખાલી કરતા તંત્રએ શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી આગળ ધપાવી હતી.













