દિવાળી-છઠ પૂજા પર કાલુપુર સ્ટેશને ભીડ બેકાબૂ! પાર્સલ બુકિંગ અચાનક બંધ કરવાનો આદેશ, જાણો કઈ વસ્તુઓને મળી છૂટ?

દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં વતન જવા માટે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પેસેન્જરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. એક તરફ ઉત્તરપ્રદેશ અને બિહાર જવા માટે મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, તો બીજી તરફ સ્ટેશન પર પેસેન્જરોની અવરજવર પણ વધી છે. આ સ્થિતિમાં પેસેન્જરોને હાલાકી ન પડે અને તેમની સુરક્ષા જળવાઈ રહે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન પર તમામ પ્રકારના પાર્સલ ટ્રાફિકની કામગીરી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેના મુખ્યાલય દ્વારા 6 નવેમ્બરે જાહેર કરવામાં આવેલ આદેશ પ્રમાણે, 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી અમદાવાદ (ADI) સ્ટેશન પર પાર્સલની આવક અને જાવક બંને બંધ રહેશે. આ પ્રતિબંધમાં રેલવેના ડિપાર્ટમેન્ટલ પાર્સલની સાથે લીઝ પર આપવામાં આવેલા પાર્સલ ટ્રાફિકનો પણ સમાવેશ થાય છે. એટલે કે આ સમયગાળા દરમિયાન અમદાવાદ સ્ટેશન પરથી પાર્સલનું ઇનવર્ડ અને આઉટવર્ડ બુકિંગ થઈ શકશે નહીં.
પ્લેટફોર્મ પર ભીડ અને રિડેવલપમેન્ટના કામના કારણે નિર્ણય
રેલવેના આદેશમાં જણાવ્યા મુજબ, દિવાળી અને છઠ પૂજા દરમિયાન અમદાવાદ સ્ટેશનનાં પ્લેટફોર્મ પર પેસેન્જરોની મોટી સંખ્યામાં અવર-જવર થવાની શક્યતા છે. તેની સાથે જ સ્ટેશન પર મેગા રિડેવલપમેન્ટનું કામ પણ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં પાર્સલની લોડિંગ અને અનલોડિંગની કામગીરી ચાલુ રાખવાથી પ્લેટફોર્મ પર પેસેન્જરોની અવર-જવરમાં અડચણ ઊભી થઈ શકે છે. આ ઉપરાંત પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સક્ષમ સત્તાધિકારીએ પાર્સલ ટ્રાફિક બંધ કરવાની મંજૂરી આપી છે.
પર્સનલ લગેજ અને અખબારોને છૂટ
આ પ્રતિબંધ દરમિયાન પેસેન્જર કોચમાં વ્યક્તિગત સામાન (પર્સનલ લગેજ) લઈ જવાની મંજૂરી યથાવત્ રહેશે. આ ઉપરાંત રજિસ્ટર્ડ અખબારો અને મેગેઝિનનું બુકિંગ પણ નિયમિત કોમર્શિયલ નિયમો હેઠળ ચાલુ રહેશે. જોકે, 7 નવેમ્બર પહેલાં લોડ કરવામાં આવેલા પાર્સલને આદેશમાં દર્શાવેલી છૂટ મુજબ લઈ જઈ શકાશે.











