હાથીજણમાં ઊંચા વળતરની લાલચ આપી મિત્ર સાથે વિશ્વાસઘાત; 8 લાખની કાર પણ ગિરવે મૂકી

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક મિત્ર દ્વારા બીજા મિત્ર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. મિત્રને રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂ.9.97 લાખ પડાવ્યા બાદ તેની રૂ.8 લાખની કાર ગિરવે મૂકી વિશ્વાસઘાતનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વટવા GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નફાની લાલચ આપી રૂ.9.97 લાખ પડાવ્યા
મળતી માહિતી પ્રમાણે, શહેરના હાથીજણ સર્કલ પાસે ખાનગી કંપનીમાં નોકરી કરતા 33 વર્ષીય યુવક છેલ્લા 4 વર્ષથી પાસેના એપાર્ટમેન્ટમાં રહેતા યુવક સાથે મિત્રતા ધરાવતો હતો. પાડોશી મિત્ર દ્વારા વિવિધ કંપનીઓમાં રોકાણ કરી દર મહિને દોઢ ટકા નફો આપવાની ખાતરી અપાતા યુવક દ્વારા ડિસેમ્બર 2025થી ટુકડે-ટુકડે કુલ રૂ.9.97 લાખ આપવામાં આવ્યા હતા. શરૂઆતના 3 મહિના રૂ.1.50 લાખ વળતર પેટે ચૂકવ્યા બાદ નાણાં ચૂકવવાનું બંધ કરી દેવાયું હતું.
વધુમાં 9 મે 2026ના રોજ યુવકને કંપનીના કામે વિદેશ જવાનું હોવાથી તેણે પોતાના મિત્રને કાર આપી બીજા દિવસે વહેલી સવારે એરપોર્ટ મૂકવા આવવા જણાવ્યું હતું. જોકે તે એરપોર્ટ આવ્યો ન હતો. 5 દિવસ બાદ યુવક વિદેશથી પરત ફરતા કાર બાબતે સંપર્ક કરતા મિત્રએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ સાથે અગાઉ અપાયેલા સિક્યોરિટી પેટેના ચેક બેંકમાં જમા કરાવતા તે પણ બાઉન્સ થયા હતા.
મિત્રની કાર પણ ગીરવે મૂકી દીધી
આખરે ઘણા પ્રયત્નો બાદ આરોપીએ વ્હોટ્સઅપ કોલ પર યુવકની કાર હારીજ ગામના એક શખ્સ પાસે ગીરવે મૂકી હોવાની કબૂલાત કરી હતી. યુવક હારીજ પહોંચતા જે શખ્સ પાસે કાર ગીરવે હતી તેણે કાર આપવાનો ઈન્કાર કરતા યુવકે પાડોશી મિત્ર સામે વટવા GIDC પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાવ્યો છે.









